પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સામે કોંગ્રેસ દ્વારા સોમવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના એલાનમાં વિપક્ષો પણ જોડાયા છે. રાજ્યના વિવિધ શહેરોમાં કોંગ્રેસી કાર્યકરો બંધના એલાનમાં જોડાયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તેમજ રાજ્ય પ્રભારી રાજીવ સાતવ ની અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે.
મોંઘવારીનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની પણ અટકાયત કરવામાં આવી છે. હાલ, તેમને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવના વિરોધમાં કોંગ્રેસ સહિત વિપક્ષે ભારત બંધનું એલાન કર્યું છે. આ એલાનમાં 21 રાજનૈતિક પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. બંધના ભાગ રૂપે આજે સવારથી ભારતભરમાં અલગ-અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનમાં ક્યાંક ટ્રેન રોકવામાં આવી છે, તો ક્યાંક બસોમાં તોડફોડ કરવામાં આવી છે.
કોંગ્રેસના ભારત બંધના પગલે અમદાવાદમાં શાહપુર, દાણીલીમડા અને મિરઝાપુરમાં એએમટીએસ અને બીઆરટીએસની બસો પર પથ્થર ફેંકવામાં આવ્યા છે. પથ્થરમારાને કારણે બસોના કાચ તૂટી ગયા છે. બંધને પગલે કોંગ્રેસ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ એ શહેરની અનેક સ્કૂલ અને કોલેજો બંધ કરાવી હતી.
