વારાણસીઃ ઉત્તર પ્રદેશના દેવરિયા સંરક્ષણ ગૃહકાંડ બાદ વારાણસી અને મિર્ઝાપુરના શિશુ ગૃહોમાંથી 25 બાળકો લાપતા થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં વારાણસીના લક્ષ્મી શિશુ ગૃહમાંથી સાત બાળકો ગાયબ થયા છે, જ્યારે મિર્ઝાપુરના મહાદેવ શિશુ ગૃહમાંથી 18 બાળકો લાપતા છે.
આ મામલો સામે આવ્યા બાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બંને જિલ્લાના કલેકટર (ડીએમ)ને 15મી સપ્ટેમ્બર સુધીમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ પછી જિલ્લાધિકારીઓએ એ,ડી.એમ સિટીને આ કેસની તપાસ સોંપી છે.
મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયના અગ્ર સચિવ અજય તિર્કી તરફથી મોકલાયેલા આ પત્ર મુજબ, વારાણસીના લક્ષ્મી શિશુ ગૃહ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અહીં 15 શિશુ હતા.
ગત 16મી માર્ચના રોજ જ્યારે લક્ષ્મી શિશુ ગૃહનું ભારત સરકારની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે અહીં માત્ર આઠ જ બાળકો જોવા મળ્યા હતા. ગાયબ થયેલા આ બાળકોના મુદ્દે લક્ષ્મી શિશુ ગૃહના સંચાલકો કોઈ ઠોસ પુરાવા આપી શક્યા ન હતા.
કેન્દ્રીય મંત્રાલયની ટીમે આ જ દિવસે મિર્ઝાપુરના મહાદેવ શિશુ ગૃહની પણ મુલાકાત કરી હતી. અહીં 38 બાળકો હોવાની જાણકારી આપવામાં આવી હતી, પરંતુ નિરીક્ષણ દરમિયાન અહીં 14 બાળકો જ મળી આવ્યા હતા.
આ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છ બાળકો શાંભવી, મારિયા, હની, શુભમ, પરી અને આશિષનું મોત થઈ ચુક્યું છે. આ બાળકોનાં મોત પ્રથમ એપ્રિલ 2017થી ફેબ્રુઆરી 2018 દરમિયાન થયા હતા. જો કે તંત્ર દ્વારા આ અંગે પણ તપાસના આદેશ કરવામાં આવ્યા છે.
આ ઘટના અંગે જિલ્લાના કાર્યકારી અધિકારી પ્રવીણ ત્રિપાઠી દ્વારા જણાવાયું હતું કે, કેન્દ્રીય ટીમના નિરીક્ષણ બાદ જોવા મળેલી ખામી પછી લક્ષ્મી શિશુ ગૃહની માન્યતા રદ કરી નાખવામાં આવી છે. આ શિશુ ગૃહમાં રહેતા બાળકોને લખનઉ મોકલી દેવામાં આવ્યા છે.
