નવી દિલ્હી,
રાજધાની દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) દુનિયાનું ૧૬મું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે. સામે આવેલા એક રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૧૭માં IGI એરપોર્ટ પરથી ૬.૩૪ કરોડ યાત્રીઓએ અવર જવર કરી હતી.

એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI)ના જણવ્યા મુજબ, ૨૦૧૬ની સરખામણીમાં યાત્રિઓની સંખ્યામાં ૧૪ ટકાનો વધારો થયો છે. આ મામલે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ૨૨માં ક્રમ પરથી ૧૬માં ક્રમાંકે આવી ગયું છે.
એટલાન્ટા હાર્ટસફિલ્ડ જેક્સન એરપોર્ટ આવ્યું પ્રથમ સ્થાને

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, અમેરિકાનું એટલાન્ટા હાર્ટસફિલ્ડ જેક્સન એરપોર્ટ દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ એરપોર્ટ પર ૨૦૧૭માં કુલ ૧૦.૩૯ કરોડ યાત્રીઓ પહોચ્યા હતા. જયારે બીજા નંબરે પેઈચિંગ અને દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ત્રીજા ક્રમાંકે છે.
દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૮.૮૨ કરોડ યાત્રીઓની અવર જવર જોવા મળી હતી. ત્યારબાદ જાપાનનું ટોકિયો એરપોર્ટ ચોથા સ્થાને આવે છે.
ACIમાં છે ૧૯૫૩ એરપોર્ટ અને ૧૭૬ દેશ

મહત્વનું છે કે, એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI)એ દુનિયાભરના એરપોર્ટનું એક એસોસિએશન છે, જે હાલમાં ૬૪૧ સભ્યો સાથે કામ કરી રહ્યું છે. આ સંસ્થા હેઠળ દુનિયાભરમાંથી ૧૯૫૩ એરપોર્ટ અને ૧૭૬ દેશ આવે છે.

રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૭માં દુનિયામાં હવાઈ મુસાફરી કરનારા યાત્રીઓની સંખ્યામાં ૫.૨ ટકાનો વધારો થયો છે. ACI દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “લોકોની આવકમાં વૃદ્ધિ થવાથી આવનારા વર્ષોમાં હવાઈ યાત્રા કરનારા લોકોની સંખ્યામાં હજી પણ વધારો થશે”
