Ayodhya Ram Mandir New Darshan Rules: ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. લાખો ભક્તોની ભીડને જોતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા જાળવવા માટે દર્શનના નિયમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ઓનલાઇન બુકિંગથી લઈને પાસની સંખ્યા સુધીના નવા નિયમો આજથી અમલી બન્યા છે.
ઓનલાઇન પાસના નિયમોમાં ફેરફાર
ભીડને નિયંત્રિત કરવા માટે ટ્રસ્ટે ઓનલાઇન પાસ દીઠ વ્યક્તિઓની મર્યાદા ઘટાડી દીધી છે, જેના કારણે અગાઉ એક પાસ પર જે 8 લોકો દર્શન કરી શકતા હતા, તે સંખ્યા હવે ઘટાડીને મહત્તમ 5 કરી દેવામાં આવી છે. હાલમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો હોવાને કારણે 8 મે સુધીના તમામ બુકિંગ સ્લોટ પણ ફૂલ થઈ ગયા છે.
Ram Mandir : દર્શન માટે હવે માત્ર બે જ વિકલ્પ
ટ્રસ્ટે તેની સત્તાવાર વેબસાઇટ પરથી ‘વિશિષ્ટ દર્શન’નો વિકલ્પ હટાવી દીધો છે, જેના કારણે હવે ભક્તો પાસે માત્ર બે જ વિકલ્પો રહેશે. જેમાં પ્રથમ ‘સુગમ દર્શન’ હેઠળ ભક્તો રામલલ્લા, રામ દરબાર અને પરકોટામાં આવેલા 6 મંદિરોના દર્શન કરી શકશે, જ્યારે બીજા ‘સામાન્ય દર્શન’ના વિકલ્પમાં રામલલ્લા અને રામ દરબાર ઉપરાંત શેષાવતાર મંદિર, સપ્ત મંદિર અને કુબેર ટીલાના દર્શનનો સમાવેશ થાય છે.
ડ્રેસ કોડ અંગે ટ્રસ્ટની ખાસ સલાહ
મંદિરની ગરિમા અને પરંપરા જળવાઈ રહે તે માટે ટ્રસ્ટે ભક્તોને ભારતીય પોશાક પહેરીને આવવા વિનંતી કરી છે, જેમાં પુરુષો માટે ધોતી-કુર્તા અથવા કુર્તા-પાયજામા અને મહિલાઓ માટે સાડી, પંજાબી ડ્રેસ અથવા દુપટ્ટા સાથેના ચુડીદાર સૂટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જોકે, ખાસ નોંધવા જેવી બાબત એ છે કે હાલમાં આ ડ્રેસ કોડ માત્ર એક ‘સલાહ’ તરીકે આપવામાં આવ્યો છે અને તેને હજુ સુધી ફરજિયાત કરવામાં આવ્યો નથી.
વૃદ્ધો અને મહિલાઓ માટે સૂચન
જો તમે લાંબી લાઈનોમાં ઉભા રહેવા માંગતા ન હોવ, તો ટ્રસ્ટની વેબસાઇટ પરથી એડવાન્સમાં પાસ મેળવવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં વૃદ્ધો અને મહિલાઓ માટે ઓનલાઇન પાસ વધુ સુવિધાજનક રહેશે.
આ પણ વાંચો:અયોધ્યામાં ધાર્મિક વિધિ કરતા 101 વૈદિક આચાર્યો, રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ
આ પણ વાંચો:અયોધ્યામાં 3 જૂનથી બીજી પ્રાણ પ્રતિષ્ઠા;જાણો રામ મંદિરમાં કોના સ્વાગત માટે થઈ રહી છે તૈયારીઓ ?
આ પણ વાંચો:અયોધ્યામાં રામ નવમી પર રામ લાલાને સૂર્ય તિલક, મંદિરમાં ઘંટ અને શંખ ગુંજવા લાગ્યા
