Dhandhuka News : વિરમગામ તાલુકાના કમીજલા નજીક લખતર-વિરમગામ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત(Accident) સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. મૃતકોમાં એક નાનકડું બાળક પણ સામેલ હોવાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.
માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કલ્યાણપુરા ગામના મેણીયા પરિવારના સભ્યો બાઈક પર સવાર થઈને લખતર તરફથી વિરમગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન કમીજલા અને વનથળ ગામ વચ્ચે પહોંચતા પાછળથી આવેલા બોલેરો પીકઅપ વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત(Accident) એટલો ભયાનક હતો કે બાઈકનો કચડો નીકળી ગયો અને સવાર ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. ઘટનાસ્થળે જ ત્રણેયના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મહિલાને અત્યંત ગંભીર ઈજા પહોંચતા તેમનો એક પગ શરીરથી અલગ થઈ ગયો હતો, જે દૃશ્ય જોઈને લોકોમાં ભય અને દહેશત ફેલાઈ ગઈ હતી.
મૃતકોની ઓળખ નીચે મુજબ છે:
- અલ્પેશભાઈ અશોકભાઈ મેણીયા (ઉંમર 22 વર્ષ)
- સંતોકબેન અશોકભાઈ મેણીયા (ઉંમર 40 વર્ષ)
- માનવી વસન્તભાઈ મેણીયા (ઉંમર 6 વર્ષ)
અકસ્માતમાં ઘવાયેલા અન્ય લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ભેગા થઈ ગયા હતા.
અકસાન્ત સર્જ્યા બાદ બોલેરો પીકઅપનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાઓના આધારે તેની શોધખોળ શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપવા માટે પોલીસ દ્વારા તીવ્ર કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ ઘટનાને પગલે કલ્યાણપુરા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
