વિધાનસભાની ચૂંટનીની તૈયારીઓ દરેક પક્ષ દ્વારા શરૂ કરાઈ હોય એવું ચિત્ર જોવા મળી રહ્યું છે. આ ચૂંટણી વાસ્તવમાં ખૂબ જ રસપ્રદ અને રસાકસી ભરી હશે. કોણ કોને માત આપશે એ છેલ્લી ઘડી સુધી નક્કી થઇ શકશે નહિ. દરેક પક્ષ વિવિધ મુદ્દે ચૂંટણી લડશે ત્યારે આમ આદમી પાર્ટી જીતવા માટે શિક્ષણ ને મુખ્ય બનાવી રહી હોય એવું લાગે છે. કારણકે એક તરફ વડાપ્રધાન અને ભાજપના સર્વેસર્વા નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં બદલાવ લાવવા શાળામાં ફી વધારા અને ડોનેશન મુદ્દે પત્ર લખીને વિવિધ માગણીઓ કરવામાં આવી રહી છે. આ શિક્ષણ ક્ષેત્રની આ માગ નહિ સ્વીકારાતા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.
મળતી વિગત અનુસાર રાજ્યની ખાનગી શાળામાં ફી વધારા અને ડોનેશન ઉપર પ્રતિબંધ મૂકવા માટે માગણી કરતાં આપના પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગણી કરી છે. તેમણે પત્રમાં ચિમકી પણ ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માગણીઓ નહીં સ્વિકારે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવશે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે રાજ્યમાં શિક્ષણના બેફામ વેપારને કારણે ખાનગી શાળઓઓની મનમાની સામે ગુજરાતના વાલીઓ લૂંટાઈ રહ્યા છે. આપની સરકાર છે તેવા પંજાબ અને દિલ્હીમાં ખાનગી શાળાઓ પુસ્તકો, યુનિફોર્મ કે બુટ મોજાની ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ગુજરાતની જનતાને પણ આ હક મળવો જોઈએ એટલું જ નહીં ખાનગી શાળામાં ફી વધારા અને ડોનેશન ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. તેનો અમલ ગુજરાતમાં થવો જોઈએ. એટલું જ નહીં ડોનેશન માગે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. ખાનગી શાળાના શિક્ષકો અને સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે અને એફઆરસી કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ પણ કરવામાં આવે તેવી વિવિધ માગણી કરવામાં આવી છે. સરકારી શાળામાં શિક્ષકની ભરતી બંધ થવાથી યુવાનોને નોકરી મળી રહી નથી. મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિ માટે ઘર ચલાવવું પણ અઘરું બની ગયું છે ત્યારે રુપિયાના અભાવે ગુજરાતના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે વાલીઓને સરકાર રાહત આપે તે જરુરી છે એવું ઈટાલિયાએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા દિલ્હીના શિક્ષણ મંત્રી અને આપ પાર્ટીમાં કેજરીવાલના નંબર ટુ મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારના ગામડાઓની સરકારી શાળામાં ફરીને તેની બિસ્માર હાલતનો વીડિયો જાહેર કર્યો હતો. તાજેતરની પીએમ મોદીની મુલાકાતને લઈને પણ સિસોદિયાએ ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે રાજ્યનું સર્વેલન્સ સેન્ટર એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ભલે તમે ઉદ્ઘાટન કરો પરંતુ તેમાંથી એવી શાળાઓની તસવીરો નહીં જોવા મળે જેમાં કરોળિયાના જાળા છે અને બેસવા માટે બેન્ચ પણ નથી. ભાજપ અને આપ બંને પક્ષ એકબીજા ઉપર પલટવાર કરી રહ્યા છે અને એકબીજાની ખામીઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે.
આ પણ વાંચો : વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પીએમ મોદી

