Dahod Bhitodi Highway Accident: યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના આશીર્વાદ લઈને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહેલા એક પરિવાર માટે વળતી મુસાફરી માતમમાં ફેરવાઈ ગઈ છે. દાહોદના ભીટોડી હાઈવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં મધ્યપ્રદેશના શ્રદ્ધાળુ પરિવારના ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ઉભેલા કન્ટેનર પાછળ ધડાકાભેર અથડાઈ કાર
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશનો એક શ્રદ્ધાળુ પરિવાર પાવાગઢ ખાતે માં કાલિકાના દર્શન કરીને ફોર વ્હીલ કારમાં પરત ફરી રહ્યો હતો. દરમિયાન દાહોદના ભીટોડી હાઈવે પર માર્ગની સાઈડમાં ઉભેલા એક કન્ટેનરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી.
ત્રણ બાળકોના મોતથી અરેરાટી, 9 લોકો ઈજાગ્રસ્ત
આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બાળકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતમાં અન્ય 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Accidentનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો હાઈવે પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેને પોલીસે થાળે પાડી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં ભયાનક અકસ્માત,વાન ખીણમાં ખાબકી 9ના મોત,PM મોદીએ વ્યક્ત કર્યો શોક
આ પણ વાંચો: અમદાવાદના શાહપુરમાં મોડી રાતે અકસ્માત બાદ તોડફોડ, વીડિયો વાયરલ
આ પણ વાંચો: છત્તીસગઢના કાંકેરમાં રોડ અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત
