સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે શુક્રવારે મોડી સાંજે એક દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ગામની બાજુમાં આવેલી એક ફેક્ટરીના મજૂરે દોઢ વર્ષની બાળકી સાથે આ જધન્ય કૃત્ય આચર્યું હતું. આ વાતની ખબર ગામના લોકોને પડતા લોકોએ ફેક્ટરી બહાર પડેલી ત્રણ કાર અને બાઇકોમાં આગ લગાડી દીધી હતી. એટલું જ નહીં લોકોએ ફેક્ટરીમાં પણ તોડફોડ કરી હતી.

બાળકી પર થયેલા રેપના વિરોધમાં સાબરકાંઠાનું રાયગઢ ગામ સજ્જડ બંધ રહ્યું હતું. ગામના બધા લોકો આ સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. ગામની બજારોમાં એક પણ દુકાન ખુલી નહતી. આ ઉપરાંત આગલી રાત્રે કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી હતી.
જયારે હિંમતનગરના ગામડી ગામ ખાતે કેટલાક લોકોએ હિંસક પ્રદર્શન પણ કર્યું હતું. હિંમતનગર શામળાજી હાઇવે પર કેટલાક અજાણ્યા લોકોએ બળાત્કારની ઘટનાના વિરોધમાં હાઇવે પર જ ટાયરો સળગાવ્યા હતા.
