શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે વચ્ચે કેબિનેટ મિટિંગ દરમિયાન ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. કોલંબો સ્થિત એક અખબારે દાવો કર્યો છે કે, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વચ્ચે ઘર્ષણની સ્થિતિ કોલંબો પોર્ટ પર ઇસ્ટ કન્ટેનર ટર્મિનલને ભારતીય રોકાણથી વિકસિત કરવા પર બની હતી.

ખબરો મુજબ, શ્રીલંકાના પોર્ટ અને શિપિંગ મંત્રી મહિંદા સમારાસિંઘેએ કેબિનેટને પ્રસ્તાવ આપ્યો હતો કે, ઇસ્ટ કન્ટેનર કોસ્ટને વિકસિત કરવા માટેની જવાબદારી શ્રીલંકા પોર્ટ ઓથોરિટીને આપવામાં આવે. વળી, કેબિનેટ બેઠક દરમિયાન શ્રીલંકાના ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી અને ઇન્ટરનેશનલ ટ્રેડ મિનિસ્ટર મલિક સમારાવિક્રમાએ ભારતીય રોકાણથી પોર્ટને વિકસિત કરવાનો પક્ષ રાખ્યો. અને પ્રધાનમંત્રીએ પણ વ્યાપાર મંત્રીના પ્રસ્તાવને માનવાની વકીલાત કરી.

મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ સિરિસેનાએ કહ્યું કે, કોલંબો પોર્ટ સરકારને આધીન રાખવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ દલીલ કરી હતી કે, ભારતીય રોકાણને મંજુરી આપવા પર શ્રીલંકા પોર્ટ પર એમના સાર્વભૌમત્વને ખતરો થઇ શકે છે.
