અમૃતસર,
પંજાબના અમૃતસરમાં ગત શુક્રવાર સાંજે બનેલી એક દર્દનાક ટ્રેન ઘટનામાં ૬૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઇ રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો ચાલી રહ્યો છે, તો બીજી બાજુ અનેક લાપરવાહીના કારણો સામે આવી રહ્યા છે. આ વચ્ચે પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિધ્ધુની તસ્વીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે, તેને લઇ તેઓને લોકોના ગુસ્સાનું શિકાર બનવું પડ્યું છે.
હકીકતમાં, અમૃતસરમાં બનેલી દર્દનાક ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ સમયે નવજોતસિંહ સિદ્ધુ આ દુઃખદ સમયમાં હસતા નજરે ચઢ્યા હતા.

બતાવવામાં આવી રહ્યું છે કે, નવજોતસિંહ સિદ્ધુ કેન્ડલ માર્ચમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનિલ જાખડ સાથે વાત કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ ઘણીવાર હસતા જોવા મળ્યા હતા.
જો કે ત્યારબાદ લોકોએ આ તસ્વીરને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે અને પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં નવજોતસિંહ સિદ્ધુના આ ફોટા અંગે લોકોએ કોમેન્ટ કરતા કહ્યું, “અમૃતસર ટ્રેન ઘટના અંગે સિધ્ધુ રાજકારણ રમી રહ્યા છે. તેઓ આ ઘટનાથી કેટલા હેરાન છે તે આ તસ્વીર પરથી સાબિત થાય છે. આ કોઈ કોમેડી નથી”.
દશેરા નિમિત્તે શુક્રવાર સાંજે રાવણદહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમયે નવજોતસિંહ સિધ્ધુના પત્ની નવજોત કોર સિદ્ધુને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જો કે તેઓ પર આરોપ છે કે, તેઓ સમય પર પહોચ્યા ન હતા અને આ કારણે જ રાવણ દહન કરવામાં વિલંબ થયો હતો.
મહત્વનું છે કે, પંજાબના અમૃતસરમાં શુક્રવાર સાંજે બનેલી એક દર્દનાક ટ્રેન ઘટનાને લઈ અનેક કારણો સામે અઆવી રહ્યા છે. ૧૦ થી ૧૨ સેકન્ડના સમયમાં ફૂલ સ્પીડે ધસી આવી રહેલી એક ટ્રેન રાવણ દહન જોઈ રહેલા લોકોને કચડતા ૬૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.
