Lifestyle/ ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…

સાબુદાણાની ખીચડી ખાઇને તમારા બાળકો કંટાળી ગયા હોય તો, તમે એક મસ્ત મજાની સાબુદાણાની રેસિપી બનાવી શકો છો અને એ છે સાબુદાણા મોમોઝ!

Trending Food Lifestyle

Lifestyle: ઉપવાસમાં સાત્વિક ફરાળમાં એક નવો વિકલ્પ છે સાબુદાણા મોમોઝ (Sabudana Momos)!એને બનાવવાનું અત્યંત સરળ છે અને નાસ્તાનો આ એક હૅલ્ધી ઑપ્શન (Healthy Breakfast)પણ છે.

હિન્દુ સનાતન ધર્મમાં, પ્રત્યેક મહિને કોઇ ને કોઇ વ્રત અથવા તો તહેવારો આવતા જ રહેતા હોય છે. આ પૈકી, ઘણા ધાર્મિક તહેવારોમાં લોકો ફળફળાદિ ખાઇને ઉપવાસ (Fast)કરે છે અને અન્ય લોકો સાબુદાણા, મોરૈયો, રાજગરો વગેરેનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓને આરોગીને વ્રત કરતા હોય છે. મોટાભાગે, ઉપવાસ કરનારા લોકો ફરાળમાં સાબુદાણા ખિચડી તથા મીઠા વ્યંજનો (Sweets)માં સાબુદાણાની ખીર તો અવશ્ય બનાવતા જ હોય છે. જો સાબુદાણાની ખીચડી ખાઇને તમારા ઘરના સભ્યો, ખાસ કરીને બાળકો કંટાળી ગયા હોય તો, તમે એક મસ્ત મજાની સાબુદાણાની રેસિપી (Sabudana Recipe)બનાવી શકો છો અને એ છે સાબુદાણા મોમોઝ! મૂળ રુપે, મોમોઝ એક નેપાળી અથવા તિબેટીયન વાનગી છે જે ડમ્પલિંગ્સ (Dumplings) જેવા સ્વરુપમાં હોય છે.  વરાળે બાફીને, શૅલો ફ્રાય કરીને અથવા તો ડીપ ફ્રાય કરીને પણ આ સ્વાદિષ્ટ વાનગીની જ્યાફત ઉડાવી શકાય છે.

સાબુદાણા મોમોઝ  બનાવવા માટેની સામગ્રી

1 કપ સાબુદાણા
3 મધ્યમ આકારના બટાટા
1/2 કપ સીંગદાણા
2 થી 3 બારીક સમારેલા લીલા મરચાં
1/2 ચમચી ધાણાજીરું
2થી 3 ચમચી બારીક સમારેલી કોથમીર
1 ચમચી લીંબુનો રસ (વૈકલ્પક)
સ્વાદાનુસાર સિંધાલૂણ

ફ્રાય કરવા માટે 2 થી 3 ચમચી ઘી

સ્ટીમ કરવા માટે પાણી

સાબુદાણા મોમોઝ બનાવવાની વિધિ

સૌપ્રથમ સાબુદાણાને પાણીથી બેથી ત્રણ વાર સારી રીતે ધોઇને લગભગ 4 થી 5 કલાક પલાળી રાખો. ત્યારબાદ બટાટા(Potato)ને બાફીને ઠંડા કરીને છૂંદી લો. હવે એમાં શેકીને અધકચરા વાટેલા સીંગદાણાને મિક્સ કરો. જો તમે ઉપવાસમાં લીલા મરચાનું સેવન કરતા હો તો એ પણ નાખો અને જો ન ખાતા હો તો એના વિકલ્પરુપે, તીખાશ માટે તમે કાળા મરી પાઉડરનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ, અન્ય તમામ સામગ્રીઓને મિક્સ કરીને મોમોઝ માટેનું મિશ્રણ તૈયાર કરો.

હવે પલાળેલા સાબુદાણાને સહેજ છૂંદીને લોટ જેવું બાંધી દેવું. જરુર જણાય તો તમે એમાં આખા સાબુદાણા ક્રશ કરીને ભેળવી શકો છો. હવે લુઆ પાડીને થેપીને એનાથી મોમોઝના કવર તૈયાર કરવા. ત્યારબાદ, એમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરો. એને સરસ રીતે બંધ કરીને મોમોઝનો શૅપ આપી દો. હવે સ્ટીમર (Steamer)માં મૂકીને આ મોમોઝને વરાળે બાફી લો. એને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે એક પૅનમાં ઘી મૂકીને શૅલો ફ્રાય પણ કરી શકો છો. હવે આ અત્યંત સ્વાદિષ્ટ એવા ફરાળી સાબુદાણા મોમોઝને કોથમીર-મરચાંની લીલી ચટણી કે દહીંની સાથે સર્વ કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં ભેળસેળ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ સાથે કડક કાર્યવાહીના આદેશ

આ પણ વાંચો: ઘરે બનાવો ફરાળી ઢોકળા, નોંધી લો રેસિપી

આ પણ વાંચો: ફરાળમાં ખાઈ શકાય તેવી તેલ વગર બનતી ચટ્ટાકેદાર વાનગી