ભરૂચ,
ઘોઘા ખાતે રો-પેક્ષ ફેરી સર્વિસનું ગત 12 ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે લોકાર્પણ થવાનુ હતુ, ત્યાં દહેજ પાસે પોન્ટુન ક્ષતિગ્રસ્ત થતા લોકાર્પણ સમારોહ મોકૂફ રખાયો હતો.
ક્ષતિગ્રસ્ત યોકની મરામત કરતા 15 દિવસ લાગી ગયા હતા અને ત્યાંજ 25 તારીખે એક જહાજનો એક ટગ ડૂબી જતાં 8 વ્યક્તિઓને યેનકેન બચાવી લેવાયા હતા અને એક ખલાસી જે ઘોઘાના રહેવાસી હતા એમનું મોત થયું હતું ત્યારે બાદ મુખ્યમંત્રી દ્વારા સભાને રદ કરીને ફક્ત લોકપર્ણ વિધિ કરવાની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

હવે આગામી તા.27ને શનિવારે ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનો મુખ્યમંત્રીના હસ્તે વિધિવત પ્રારંભ કરાવાશે. આ જાજરમાન શિપમાં ચાર માળ છે. જેમાં પ્રથમ માળ ટ્રક અને બસ માટે છે, બીજો માળ કાર માટે છે, ત્રીજા માળે મુસાફરો માટે ત્રણ કેટેગરીમાં બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.

બિઝનેસ, એક્ઝિક્યુટીવ અને ઈકોનોમી ક્લાસ સંપૂર્ણ વાતાનુકૂલિત બનાવાયા છે.જ્યારે ચોથા માળે કેપ્ટન રૂમ છે. કોરીયાના આ જહાજમાં કેટલીક સવલતો ચીનમાં ફીટ કરાઈ છે.

આ શિપમાં વીઆઈપી માટે અને એક્ઝિક્યુટીવ માટે બે રેસ્ટોરન્ટ ઉભા કરાયા છે. એક અદ્યતન લોજ બનાવાય છે જેમાં કોન્ફરન્સ થઈ શકે છે. દહેજમાં યોક ક્ષતિગ્રસ્ત થતા નવરાત્રિમાં આ સેવા કાર્યરત થવામાં વિઘ્ન નડયું હતુ પરંતુ 15 દિવસમાં યોકની સંપૂર્ણ મરામત થઈ જતા હવે આગામી 27 ઓક્ટોબરે રો-પેક્ષ સેવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે ઉદઘાટન થશે.
