ટોકિયોના ગવર્નર યુરિકો કોઈકે કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભારતની પ્રેસિડેન્સીમાં યોજાઈ રહેલી G20 સમિટ અંતર્ગત ગુજરાતમાં આયોજિત U20ની મેયોરલ સમિટમાં સહભાગી થવા ટોકિયોના ગવર્નર ગુજરાત આવેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરેલી મુલાકાત બેઠકમાં તેમણે ગુજરાતે U20 સમિત સહિત G20ની વિવિધ બેઠકોનાં કરેલા સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યાં હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆતથી જ જાપાન પાર્ટનર કન્ટ્રી તરીકે સહયોગી રહ્યું છે તેના પરિણામે પારસ્પરિક સંબંધો વધુ દૃઢ બન્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. વાયબ્રન્ટ સમિટની ૨૦૨૪માં યોજાનારી ૧૦મી સીરીઝમાં પણ જાપાન જોડાય તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

આ મુલાકાત બેઠક દરમિયાન ક્લાઈમેટ ચેન્જ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ, રિન્યુએબલ એનર્જી સેક્ટર તથા અર્બન ફોરેસ્ટ્રી અંગે પરસ્પરની બેસ્ટ પ્રેક્ટિસીસ વિશે પણ વિમર્શ થયો હતો. ગુજરાતમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી-ગિફ્ટ સિટીની પેટર્ન પર જાપાનમાં ટોકિયો નજીક સસ્ટેઈનેબલ હાઈટેક સિટી–SUSHIનું નિર્માણ થઈ રહ્યું છે તેની પણ વિગતો ટોકિયો ગવર્નરે આપી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, એસ. જે. હૈદર, તેમજ વરિષ્ઠ અગ્ર સચિવો જોડાયાં હતાં.
