કચ્છ,
કચ્છના આદિપુરમાં એક્સિસ બેન્કના એટીએમ બહાર ફાયરીંગ કરીને એટીએમમાં નાણા ભરવા આવેલી સિક્યોર વેલ્યુ વાનમાંથી રૂપિયા 25 લાખની લૂંટ ચલાવાઈ હતી. ઘટનાને પગલે કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે.
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આદિપુરની વિનય સિનેમાની સામે એક્સિસ બેન્કનો એટીએમ આવેલું છે. આ એટીએમમાં નાણા ભરવા માટે સિક્યોર વેલ્યુ વાન આવી હતી.
નાણા ભરવા માટે આવેલી વાનમાંથી એટીએમાં નાણા ભરવામાં આવતા હતા. તે દરમિયાન કારમાં આવેલા અજાણ્યા ચારેક શખ્સોએ ફાયરીંગ કરીને રૂપિયા 25 લાખની લૂંટ ચલાવી હતી.
આ સમગ્ર ઘટના નજીકની એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના બાદ પુર્વ કચ્છ એસપી પરિક્ષીતા રાઠોડ, ડીવાયએસપી વાઘેલા, એલસીબી પીઆઈ જે.પી જાડેજા, આદિપુર પીએસઆઈ બી.આર ડાંગર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે બનાવ બાદ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને નાકાબંધી કરીને કારની ઓળખ વિવિધ પોલીસ મથકોને આપીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતી.
