અમદાવાદ: વાયબ્રન્ટ ગુજરાત સમિટ- ૨૦૧૯ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી તા. 26 મીને આજ રોજ મુંબઈ ખાતે એક ‘રોડ શો’ યોજશે. આ ‘રોડ શો અંતર્ગત મુખ્યમંત્રી દ્વારા દિવસ દરમિયાન ૧૫થી વધુ બિઝનેસ લીડર્સ તેમજ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સોમવારે ૨૬ નવેમ્બરના મુંબઈમાં વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯ સંદર્ભમાં રોડ શો યોજશે. મુખ્યમંત્રી રૂપાણી સોમવારે મુંબઈ ખાતે દિવસ દરમિયાન ૧૫ થી વધુ બિઝનેસ લીડર્સ તેમજ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક પણ યોજશે.
જેના અંતર્ગત સોમવારે સવારે ૧૧ વાગ્યે મુંબઈની ટ્રાઇડેન્ટ હોટલ ખાતે યોજાનારા ‘રોડ શો’માં તેમના દ્વારા વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯ની વિશેષતાઓ તેમજ ગુજરાતની વિવિધ સિદ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ કરવામાં આવશે.
સીએમ વિજય રૂપાણી અને ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે મુંબઈમાં ૨૦ જેટલા દેશોના કોન્સયુલેટ જનરલની ભોજન બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સીએમ રૂપાણીની સાથે રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ તેમજ ઉદ્યોગ નાણાં સહિતના વિભાગના વરિષ્ઠ સચિવો પણ જોડાવાના છે.
આ પ્રવાસ દરમિયાન વિજય રૂપાણી મુંબઈ વસતા કચ્છી સમાજના વેપાર ઉદ્યોગકારો સાથે પણ બેઠક યોજવાના છે અને કચ્છમાં સર્જાયેલી અછતની સ્થિતિના મુકાબલા માટે રાજ્ય સરકારના આયોજનની જાણકારી આપવાના છે તેમ પણ સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત રોડ શો અને બેઠકો યોજ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે મોડી સાંજે ગાંધીનગર પરત આવશે.
