૨૦૦૨ ના કોમી તોફાનોમાં નુકશાનનો ભોગ બનેલા ધાર્મિક સ્થળોના પુનઃનિર્માણ માટે રાજ્ય સરકારે વળતર ચૂકવવા અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટે રદ્દબાતલ ઠરાવી રાજ્ય સરકારની અપીલ માન્ય રાખી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ પ્રફુલ્લા સી. પન્તની ડિવિઝન બેન્ચે ઠરાવ્યું ગુજરાત સરકારની યોજનાને માન્ય રાખી છે જેમાં મંદિર હોય કે મસ્જિદ તમામ ધાર્મિક સ્થળોને ગોધરાકાંડના પગલે નુકસાન પામેલા તમામ ધાર્મિક સ્થળોને રૃા.૫૦ હજાર સુધીની સહાય મળવા અંગે જણાવ્યુ છે.
સુપ્રીમકોર્ટે અનુચ્છેદ ૨૭ અંગે આપેલા ચુકાદાને ધ્યાનમાં લીધો છે. ચોક્કસ ધર્મને પ્રોત્સાહન આપવા માટે કરવરા નાખી ન શકાય તે સિધ્ધાંતને ધ્યાને રાખી લોકોના કરવેરાના નાણાનો મોટો હિસ્સો ધાર્મિક સ્થળની મરામત માટે આપી શકાય નહીં. ગુજરાત સરકારે ૨૦૦૨ ના કોમી તોફાનોમાં નુકસાન પામેલા ધાર્મિક સ્થળોની મરામત માટે રૃા.૫૦ હજાર સુધીની સહાય આપવાની યોજનાનું સૂચન કર્યુ છે. જેમાં એવી શરત છે કે આવું મંદિર કે મસ્જિદ અનઅધિકૃત ન હોવું જોઇએ. આ સહાય રસ્તાની બરાબર વચ્ચે આવેલા કે અનઅધિકૃત સ્થળો અંગે ચુકવી શકાય નહીં. આ ઉપરાંત આવા સ્થળને થયેલા નુકસાન અંગે જે તે વખતે એફઆઇઆર નોંધાયેલી હોવી જોઇએ. આવી સહાયની માગણી કરનાર સંબંધિત જિલ્લા કલેક્ટરને તે અંગેની માલિકી કે વહીવટકર્તા તરીકે અરજદારે ખાતરી કરાવવાની રહેશે. જેથી તેનો કોઇ ગેરલાભ ન ઉઠાવી શકે અને આ બાબતમાં કલેક્ટરનો નિર્ણય આખરી ગણાશે.
રાજ્ય સરકારની આ યોજનાને સુપ્રીમકોર્ટે સ્વીકારી છે. આ અગાઉ ઇસ્લામિક રિલીફ કમિટી ઑફ ગુજરાતની જાહેર હિતની રિટ અંગે ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨ માં નુકસાનગ્રસ્ત તમામ ધાર્મિક સ્થળોને પુનઃયથાવત સ્થિતિમાં બાંધવા માટે રાજ્ય સરકારે વળતર ચૂકવી આપવું તેવો ચુકાદો આપ્યો હતો.
