પાટણ,
ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજપુર પાટણ ખાતે રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ ઉર્જા વિભાગના મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના અંતર્ગત એપ્રેન્ટિસશીપ કરાર રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં નવા નવા ઉદ્યોગો વધવાની સાથે રોજગારી વધતી જાય છે. યુવાનોને નવી ટેકનોલોજી સાથે તાલીમ આપી સાચું માર્ગદર્શન આપી દિશા બતાવવાનું કામ રાજય સરકાર કરી રહી છે.
ઉદ્યોગોની સાથે સર્વીસ સેકટર અને એગ્રીકલચર સેકટરમાં નોકરીની તકો વધશે તેમ જણાવ્યું હતું. એક સાથે ૧૨ હજાર યુવાનોને રોજગાર પ્લેસમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા છે.
એપ્રેન્ટિશીપ યોજના અંતર્ગત રાજયના ૭૫ હજાર યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. આગામી માર્ચ માસ સુધીમાં એક લાખ યુવાનોને તાલીમ આપવાનો લક્ષાંક તરફ આગળ વધી રહયા છીએ.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ મોહનભાઇ પટેલ, નાયબ નિયામક જે.પી.પરમાર, પ્રાંત અધિકારી ડી.બી.ટાંક, ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ, લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો, તેમજ ખાની કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
