સુરત,
સુરત શહેરમાં નાની બાળકીઓ ઉપર બળાત્કાર થવાની ઘટનાઓમાં ચિંતા જનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં ત્રણ બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સામે આવ્યા પછી વધુ એક આઠ વર્ષની બાળકીને કોઈ અજાણ્યા હવસખોરે પોતાની હવસનો શિકાર બનાવી છે.
રેલવે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શુક્રવારે સવારે રેલવે પોલીસની હદમાં ઉત્રાણ અને મનિષા ગરનાળાની વચ્ચેથી એક આઠ વર્ષની બાળકી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.
આ બાળકી ઉપર કોઇ અજાણ્યા ઇસમે પાશવી બળાત્કાર ગુજારી અને તેને પીંખી નાંખી હતી. બાદમાં રેલવે ટ્રેક નજીક જ મનિષા ગરનાળાથી ઉત્રાણના ટ્રેક પાસે ફેંકીને તે નાસી છુટ્યો હતો.
બનાવ અંગે સ્થાનિક લોકોએ પ્રથમ અમરોલી પોલીસને જાણ કરી હતી બાદમાં રેલવેની હદ લાગતી હોવાથી રેલવે પોલીસનો સંપર્ક કરી અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. ભોગ બનનારી બાળકીને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી છે અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
આ બાળકીને રેલવેની હદમાં લાવી અને તેના પર બળાત્કાર ગુજારનાર રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારમાં જ રહેતો હોવાનું પોલીસનું માનવું છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ભોગ બનનાર બાળકીના માતા પિતાને પોલીસ સ્ટેશન પર લઇ આવી તેમની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
