કેન્દ્ર સરકારે 17મી મે 2006થી સમગ્ર દેશમાં સાદા મીઠાના વેચાણ પર પ્રતિબંધ મૂકી આયોડાઇઝ મીઠાનું વેચાણ ફરજીયાત બનાવ્યું છે. ત્યારે અમેરિકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, ટર્કી અને સ્વીટઝરલેન્ડ જેવા દુનિયાના કોઇ દેશોમાં આયોડીનવાળુ મીઠું ફરજીયાત નથી. વધુમાં મીઠાને આયોડીનવાળુ બનાવવા માટે વપરાતા પોટેશિયમ આયોડેટ અને પોટેશિયમ બ્રોમાઇડ બંને રસાયણ અંત્યત ઝેરી છે. અને પોટેશિયમ આયોડેટ પર તો દુનિયાના 24 દેશોમાં પ્રતિબંધ છે. જ્યારે ભારતમાં મીઠામાં આયોડીન ફરજીયાત છે. અને એમાં પોટેશિયમ આયોડેટ અને પોટેશિયમ બ્રોમાઇડ વપરાય છે.
સામાન્ય રીતે દરેક વ્યકિતને રોજનું 150 માઇક્રોગ્રામ આયોડીન લેવું જરૂરી છે. અને અેના કરતા પ્રમાણ વધી જાય તો લોકોનું આરોગ્ય જોખમાય છે. અને અમેરિકા અને અન્ય દેશોમાં આયોડીનના વધારે પ્રમાણના કારણે “હાયપર થાઇરોડીઝમ” નામનો ખતરનાક રોગ થયાની અને સંખ્યાબંધ લોકોના કમોત થયાની અત્યંત ચોંકાવનારી વિગતો નોંધાયેલી છે. જ્યારે તાન્ઝાનિયા અને હોલેન્ડમાં તો આયોડીનવાળા મીઠાના વપરાશના પરિણામે “થાયએટો-ક્સિકોસીસ” નામનો ગંભીર રોગ પ્રસરતા ત્યાં આ મીઠાનો વેપાર અટકાવી દેવાયો હતો. મુંબઈના ‘પાકૃતિક સ્વાસ્થ્ય કેન્દ્ર’ના નિયામક ડો .લિયો રિબોલેએ તો સાદા મીઠા પરની વાત આવી ત્યારે એ વખતના રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્લુલ કલામને ખાસ પત્ર લખીને જણાવ્યું હતુ કે, અમેરિકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, ટર્કી અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દુનિયાના કોઇ દેશોમાં આયોડીન મીઠું ફરજીયાત વાપરવાનો કાયદો નથી તો પછી ભારતમાં ફરજીયાત કેમ ? મીઠાને આયોડીનવાળુ બનાવવા માટે પોટેશિયમ આયોડાઇટનો ઉપયોગ થવો જોઇએ એના બદલે પોટેશિયમ આયોડેટનો ઉપયોગ થાય છે જે ઝેરી છે. પોટેશિયમ બ્રોમાઇડ પણ વપરાય છે અને એ તો વધારે ઝેરી છે.
પોટેશિયમ આયોડેટ પર તો અમેરિકા, યુરોપ સહિતના દુનિયાના કુલ 24 દેશોમાં પ્રતિબંધ છે. અને આ રસાયણ વ્યકિતના શરીરમાં જાય તો નપુસંકતા સહિતના 48 પ્રકારના રોગ થાય છે. વધુમાં આયોડીન ઉડ્ડયનશીલ પદાર્થ છે. ઉકળતા દાળ-શાકમાં મીઠું નાખવામાં આવે તો એ તરત ઉડી જાય છે. વળી, આયોડીનયુક્ત મીઠું ભરવા માટે ઢગલાબંધ પ્લાસ્ટિકની થેલીઓ જોઈએ. દેશની 130 કરોડની વસ્તી માટે પ્લાસ્ટિકની કેટલી બધી થેલીઓ જોઇએ અને પ્લાસ્ટિકના આટલા બધા વપરાશની પર્યાવરણ પર કેવી જોખમી અસરો થશે અેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. વધુમાં દેશના 45 % લોકો કૂપોષણથી પીડાય છે. મેલેરિયા, ટી.બી.અને કેન્સર જેવા ગંભીર રોગોથી ત્રસ્ત છે.
દારૂની અને તમાકુની ખરાબ અસરો જાણીતી છે એના પર ધ્યાન દેવાના બદલે સરકાર સાદા મીઠા પર પ્રતિબંધની વાતો કરે છે. ખુદ ભારત સરકારના નેશનલ ઇસ્ટીટ્યૂટ ઓફ ન્યુટ્રીશનના અભ્યાસ મુજબ દેશની માંડ અઢી ટકા વ્યકિત જ આયોડીનના અભાવની અસરથી મુશ્કેલી અનુભવે છે. એના માટે 97.5 % વસ્તી પર આયોડીન ફરજીયાત થોપી દેવાનું કેટલા અંશે વાજબી છે. વધુમાં સરકારી આંકડા પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં તો 250થી 350 માઇક્રોગ્રામ આયોડીન તો કુદરતી પદાર્થોમાંથી જ મળી આવે છે. જેવા કે દૂધ, શાકભાજી, અનાજ તથા સૂર્યઉર્જા તો પછી આવા રાજ્યોમાં આયોડીન ફરજીયાત કેમ ? જ્યારે વ્યકિતની આવશ્યકતા માત્ર 150 માઇક્રોગ્રામ આયોડીનની જ છે. દાંડી પહોંચીને ગાંધીજીએ મીઠું પોતાની મુઠ્ઠીમાં ઉપાડ્યું હતુ ત્યારે એ મીઠું એક પ્રતિક હતુ અને આજે એ મીઠું જ પોતાને મુઠ્ઠીમાં લેનારા લોકોને શોધે છે.
