ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર ગુજરાતનાં અમદાવાદ શહેરથી આવ્યા છે. ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ રાજ્યનું ગૌરવ વધારવા અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ સમું આ સ્ટેડિયમ આગામી છ માસમાં બનીને તૈયાર થઈ જશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરનારી લાર્સન એન્ડ ટુબ્રો કંપની આ સ્ટેડિયમ બનાવી રહી છે.

અમદાવાદનાં મોટેરામાં બની રહેલુ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થવાની તૈયારીમાં છે. જો કે આ પહેલા અહી એક સ્ટેડિયમ હતું પણ તેને 2016માં તોડી તેની જગ્યાએ અત્યાધુનિક સ્ટેડિયમનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ. ગુજરાત ક્રિકેટ એસોસિએશને સમગ્ર પ્રોજેક્ટ પોતાના હાથમાં લઈ આ સ્ટેડિયમને તમામ સુવિધાઓથી સજ્જ બનાવવાનું બીડું ઝડપ્યું હતુ. આ સ્ટેડિયમની વિશેષતાની વાત કરીએ તો 63 એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકોનાં બેસવાની વ્યવસ્થા હશે.

અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન સ્ટેડિયમમાં 90 હજાર દર્શકોનાં બેસવાની વ્યવસ્થા હતી, જેનાં કારણે આ મામલામાં મેલબોર્ન સ્ટેડિયમ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હતું. તો કુલ મળીને 1100 કરોડનાં ખર્ચે બનનારા આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ, 55 રૂમ સાથેનું ક્લબ હાઉસ, 76 કોર્પોરેટર બોક્સ, વિશાળ સ્વિમિંગ પુલ અને ઈન્ડોર ક્રિકેટ એકેડમી પણ હશે. સાથે જ દર્શકોનાં ફોર વ્હીલરનાં પાર્કિંગ માટે 3000 ફોર વ્હીલરનું પાર્કિંગ અને 10 હજાર ટુ વ્હીલર માટેનાં પાર્કિંગની વ્યવસ્થા હશે.
