કોરોનાકાળને પગલે જંત્રના દરમાં સરવે બાદ પણ કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો જોકે હવે રાજ્ય સરકાર જંત્રીના દરમા વધારો કરવા માટે તૈયાર થઇ ગઇ છે. અને વિધાનસભા સત્ર બાદ તેમાં વધારો કરવા માટે પ્રક્રિયા શરૂ કરશે. જંત્રીના ભાવ બાદ મકાનો અને દુકાનોના ભાવમાં વધારો થઇ શકે છે.
રાજ્ય સરકારે જંત્રી વધારવાનું બનાવ્યું મન
વહેલી તકે જંત્રીમાં વધારો કરવા સરકાર મક્કમ
રૂપાણી સરકાર રાજ્યમાં જંત્રીના દરોમાં વધારો કરી શકે છે અને આવતા મહિને આ પ્રક્રિયા શરૂ પણ કરી દેવામાં આવી શકે છે. કોરોના કાળને પગલે સરકારે ગત વર્ષે વધારો કરવાનું મન બનાવ્યું હતું જોકે લોકડાઉન અને ત્યારબાદની મોંઘવારીને કારણે નિર્ણય મુલતવી રાખ્યો હતો જોકે હવે સરકાર નવા નાણાંકીય વર્ષમાં જંત્રી દરમાં ફેરફાર કરી શકે છે. રાજ્યમાં છેલ્લા 10-10 વર્ષથી જંત્રીદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને હવે જમીન સંપાદનમાં મોટો અવરોધ આવે છે. કારણ કે જમીનના જંત્રીદર કરતા બજાર ભાવ ઘણો ઉંચો હોય છે. જેથી હવે તેમાં વધારો કર્યા સિવાય કોઇ છૂટકો રાજ્ય સરકાર પાસે રહ્યો નથી.
- દોઢ વર્ષ પહેલા કરાયો હતો સરવે
- 100 ટકા સુધી જંત્રીદર વધે તેવી શક્યતા
- વિધાનસભા સત્ર બાદ પ્રાયોરિટીમાં પ્રક્રિયા હાથ ધરાશે
સરકારના નિર્ણય બાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં દબાણ ઉભું થઇ શકે છે. જોકે રાજ્ય સરકાર આ વખતે કોઇ દબાણ સામે ઝુકવાના મૂડમાં નથી અને 100 ટકા સુધી પણ જંત્રી વધારવા પર ભાર મૂકી શકે છે. વિધાનસભા સત્ર બાદ રાજ્ય સરકાર જંત્રી દરમાં વધારાને પ્રાયોરિટી આપી શકે છે અને વહેલામાં વહેલી તકે તેને લાગુ કરવાની દિશામાં આગળ વધી શકે છે. આ માટે સરકારે દોઢ વર્ષ પહેલા સરવે કરાયો હતો અને તેમાં નજીવા ફેરફાર સાથે લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે.
2011માં જમીનની જંત્રીની કિંમતમાં વધારો કરાયો હતો
જમીનના કુલ 9.9 ટકા જંત્રી મુલ્યને સ્ટેમ્પ ડયુટી તરીકે ગણના
રાજ્યમાં 10 વર્ષ પહેલા જમીનની જંત્રીની કિંમતમાં વધારો કરાયો હતો. જોકે ત્યારબાદ કોઇ વધારો કે સરવે થયો નથી. બીજીતરફ બજાર ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને જ્યારે જંત્રીના ભાવ ઠેરના ઠેર જ છે. જેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને રાજ્ય સરકારને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત સ્ટેમ્પ્સ એક્ટ-1958ની જોગવાઈઓ હેઠળ સ્ટેમ્પ ડયુટીની ગણતરી અને વસુલવામાં આવે છે. કૃષિ જમીનોની ટ્રાન્સફર સામે સ્ટેમ્પ ડયુટીની ગણતરી અને વસુલવા થાય છે.
