રાજકોટ મનપાની પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર દેખાઈ રહી છે. રાજકોટનાં અલગ અલગ વિસ્તાર જેવા કે પોપટપરા, વિજયપ્લોટ, ભીલવાસ, મોટી ટાંકીમાં ગંદકીથી સ્થાનિકોની હાલત ખરાબ થઇ ગઇ છે. ગંદકી અને કચરાનાં ઢગલા અહી ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.

સ્થાનિક લોકોનાં જણાવ્યાં મુજબ, ભૂગર્ભ ગટર ઉભરાવવાની ફરિયાદ રોજ કરવામાં આવે છે. રાજકોટનાં આ વિસ્તારોમાં મચ્છરોનો પણ ઘણો ત્રાસ છે. રોગ ચાળો ફાટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક કોર્પોરેટરોએ સદર બજાર પાસે આવેલ ભીલવાસ વિસ્તાર પર કોઈ દિવસ ધ્યાન આપ્યું નથી. માત્ર ચૂંટણી હોય ત્યારે મત માંગવા નેતાઓ આવે છે. અને પછી આવતી ચૂંટણીએ મળીશુ તેવુ જાણે કહેતા હોય તેમ જોવા પણ આવતા નથી.
રાજકોટમાં સામાન્ય લોકોનાં નિવાસસ્થાન પર જ નહી પરંતુ મુખ્યમંત્રીનાં મત વિસ્તરમાં પણ મનપા તંત્ર નિષ્ક્રિય સાબિત થઇ રહ્યુ છે. અધિકારીઓ સફાઈ કામદારને કામગીરી માટે આદેશ પણ નથી આપતા તેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોઈ દિવસ તંત્રએ આ વિસ્તાર પર ધ્યાન આપ્યું નથી. એક બાજુ થોડા સમયમાં ચોમાસુ બેસે છે ત્યારે આ પ્રકારનાં દ્રશ્યોથી સ્માર્ટસીટીની કામગીરી પર શંકા ઉત્પન્ન થઇ રહી છે. બાળકોને ઝાડાઉલ્ટીની તકલીફો અવાર નવાર થાય છે તો પણ રાજકોટ મનપા તંત્ર કુંભકરણ નિદ્રામાં હોય તેવો દેખાવ કરી રહ્યુ છે. આગામી સમયમાં તંત્ર જાગે છે કે નહીં તે જોવાનું રહેશે.
