PM મોદી અને ટીમ સામે હાલ દેશમાં જે મોટા અને મહત્વના પ્રશ્નો છે તેમાં PM મોદીની આર્થિક નીતિઓ સફળતા તરફ પ્રયાણ કરતી જણાઇ રહી છે અને સરકારને રાહત આપતા સમાચાર સાંપડી રહ્યા છે. દેશમાં સીધા વિદેશી રોકાણો એટલે કે FDIને આકર્ષિત કરનારા શ્રેષ્ઠ ૨૦ દેશોમાં ભારતનો સમાવેશ થયો છે. ભારતમાં પ્રત્યક્ષ સીઘા વિદેશી રોકાણનાં દરમાં 6 ટકાનો માતબર વઘારો નોંધવામા આવ્યો છે. 6 ટકાનાં દર પ્રમાણે ભારતમાં વિદેશી રોકાણ હાલ ૪૨ અબજ ડૉલર થયું છે.
ભારત જેવા વિકાસશીલ દેશમાં સક્રિય સરકાર હોવાથી અર્થતંત્રને ઘણા ફાયદાઓ થાય છે. 2014માં જ્યારે PM મોદી સત્તા પર આવ્યા, ત્યારે દેશને એક સક્રિય સરકાર સાથે તેના અર્થતંત્રને મજબૂતી મળી હતી. અને 2019માં ફરી PM મોદી સત્તા પર આવ્યા છે, ત્યારે દેશનું અર્થતંત્ર વધુને વધુ મજબૂત બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

શરૂઆતથી જ જોઈએ તો ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવા મોદી સરકારે FDIનાં ધારાધોરણોને સરળ કરવાના પ્રયાસ કર્યો છે અને તે માટે તેમણે આર્થિક રીતે સમૃદ્ધ પશ્ચિમી દેશો સાથેના સંબંધોને સુધારવામાં વ્યક્તિગત ધ્યાન આપ્યું છે. જો GDP સાથે FDI વૃદ્ધિ દરની તુલના કરવામાં આવે તો બે આંકડાનો વૃદ્ધિ દર હાંસલ કરવા માટે આર્થિક રીતે સમૃદ્ધ દેશોમાંથી વિશાળ પ્રમાણમાં રોકાણ થવું ખૂબ જ આવશ્યક છે.
મોદી સરકાર વિદેશી રોકાણકારોને આકર્ષવામાં ખરી ઉતરી છે. PM મોદીની આર્થિક નીતિ આ તબક્કે સફળ સાબિત થઈ છે. કારણ કે ભારતમાં FDIમાં ઝડપથી વધારો થયો છે. જ્યારે ચીન સહિતનાં અન્ય વિકાસશીલ એશિયન અર્થતંત્ર આ મોરચે હારી રહ્યા છે.
યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (યુએનસીટીએડી)નાં વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2019 મુજબ ભારતમાં ગયા વર્ષે 40 અબજ ડૉલરની સરખામણીએ FDIનો દર 6 ટકા વધીને 42 અબજ ડૉલર થયો છે. આ સાથે જ ભારત FDI આકર્ષિત કરનારા શીર્ષ 20 દેશોમાં સામેલ થઈ ગયો છે.
કુલ મળીને દક્ષિણ એશિયાના પ્રદેશમાં 3.5ટકા વૃદ્ધિ દર સાથે 54 અબજ ડૉલર FDI પ્રાપ્ત થયો છે. બાંગ્લાદેશ અને શ્રીલંકામાં અનુક્રમે 3.6 અબજ અને 1.6 અબજ ડૉલરનો વધારો થયો છે. જો કે, પાકિસ્તાનમાં કરાયેલા દેવામાં રોકાણ 27 ટકા ઘટીને 2.4 અબજ ડૉલર રહ્યું છે. જેનો અર્થ છે કે પાકિસ્તાન કરતાં ભારતને 18 ગણું વધુ રોકાણ મળ્યું છે. હકીકતમાં એકલા મહારાષ્ટ્ર અને દિલ્હી રાજ્ય દ્વારા મેળવવામાં આવતો FDI પણ પાકિસ્તાન કરતાં મોટો છે.

PM મોદી દ્વારા FDIનાં સરળીકરણ અને ઉદારીકરણથી દેશ મેન્યુફેકચરિંગ ફિલ્ડમાં હબ બન્યો છે. જે આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશના વિકાસ માટે નિર્ણાયક છે. મોદી સરકારની FDI અંગેની નીતિથી વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત કરવું સરળ-ઝડપી બન્યું છે. અલબત્ત તેનો લાભ ક્ષેત્રિય ઉત્પાદન ક્ષેત્રને સૌથી વધુ મળ્યો છે.
મોદી સરકારે ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવા માટે મેન્યુફેકચરીંગ સેક્ટર પર અગાઉથી જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે સત્તામાં આવ્યાના ફક્ત 4 મહિનામાં યાની 25મી સપ્ટેમ્બર 2014ના રોજ ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ પહેલ હેઠળ અવકાશ (74%), સંરક્ષણ (49%) અને ન્યૂઝ મીડિયા (26%) સિવાય તમામ 25 ક્ષેત્રોમાં 100% પ્રત્યક્ષ વિદેશી રોકાણો – FDI પરવાનગી સાથે તેની નીતિઓને ઉદાર બનાવવામાં આવી હતી. પરિણામ સ્વરૂપે 2015માં વૈશ્વિક સ્તરે અમેરિકા અને ચીનને પાછળ છોડીને ભારત એફડીઆઈ ક્ષેત્રમાં ટોચના સ્થાને ઉભરી આવ્યું છે. અને હાલમાં જ એફડીઆઈ આકર્ષિત કરનારા શીર્ષ 20 દેશોમાં ભારતનાં સમાવેશ સાથે ભારતમાં પ્રત્યક્ષ વિદેશી નિવેશ – એફડીઆઈનો દર 6 ટકા વધીને 42 અબજ ડૉલર થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
