મુંબઇ,
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ યુવા ટેસ્ટ ઓપનર પૃથ્વી શોને ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ આ વર્ષના 15 નવેંબર સુધી સસ્પેન્ડ કર્યો છે. પૃથ્વીનો સસ્પેન્શન સમયગાળો આઠ મહિનાનો છે.જો કે પૃથ્વી શોના સસપેન્શન પર ખેલ મંત્રાલયે બીસીસીઆઇ પર ફટકાર લગાવ્યો છે.
ખેલ મંત્રાલય તરફથી બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીને કડક શબ્દોમાં પત્ર લખાયો હતો. તેમાં કહેવાયું હતું કે બીસીસીઆઈના એન્ટી ડોપિંગ પ્રોગ્રામમાં ઘણી ખામીઓ છે અને આ હિતોનો ટકરાવ પણ છે. બીસીસીઆઈ પોતે જ ટેસ્ટ લે છે અને પોતે જ સજા આપે છે.
પૃથ્વી શો ટેસ્ટ ટીમમાં સ્થાન જમાવવાના હજી તો પ્રયાસોમાં છે ત્યાં એને આ બીજા ફટકો પડ્યો છે. આ પહેલાં એ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ વખતે ઈજાગ્રસ્ત થયો હતો પ્રતિબંધિત કેફી દ્રવ્ય લેવા બદલ પૃથ્વીનું સસ્પેન્શન 2019ની 16 માર્ચથી શરૂ થઈ ગયું છે અને 15 નવેબર, 2019 સુધી લાગુ રહેશે.પૃથ્વીના યુરિન સેમ્પલમાં જે પદાર્થ મળ્યો છે એનું નામ ટર્બ્યૂટલાઈન છે, જેનો ઉપયોગ કફ સિરપમાં કરવામાં આવે છે. આ પદાર્થને આઈસીસી સંસ્થા રચિત એજન્સી દ્વારા યાદીબદ્ધ કરાયેલા પદાર્થોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.પૃથ્વી મુંબઈ ક્રિકેટ એસોસિએશનમાં રજિસ્ટર થયો છે. એણે અજાણતાં પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હોવાનું કહેવાય છે જેને કારણે એનો ડોપિંગ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો.
બીજી તરફ ખેલ મંત્રાલયનું કહેવું છે કે બીસીસીઆઇને ડોપ ટેસ્ટ કરાવવાનો અધિકાર નથી. તેને ભારત સરકાર અને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા) તરફથી અધિકૃત કરાઈ નથી. ખેલ મંત્રાલયે 26 જૂને લખેલા પત્રમાં લખ્યું છે કે વાડાના નિયમોની કલમ 5.2મા કહેવાયું છે કે ખેલાડીઓના સેમ્પલ લેવાનો અધિકાર એન્ટી ડોપિંગ સંગઠન પાસે જ હોય છે.
પૃથ્વીને એન્ટી ડોપિંગ રુલ્સ વાયોલેશન અને બીસીસીઆઈ એન્ટી ડોપિંગ રુલ્સની કલમનું ઉલ્લંઘન કરવા માટે દોષી ગણવામાં આવ્યો છે.આ પદાર્થનું પોતે સેવન કર્યું હોવાનો પૃથ્વીએ કબૂલ કર્યું છે, પણ તેનું કહેવું છે કે એણે ઉધરસ રોકવા માટે કફ સિરપ પીધું હતું.
19 વર્ષીય પૃથ્વી અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમ્યો છે. 2018 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની બે-ટેસ્ટની સીરિઝમાં પહેલી વાર રમવાનો એને મોકો મળ્યો હતો. કારકિર્દીની પહેલી જ ઈનિંગ્ઝમાં એણે સેન્ચુરી ફટકારી હતી. ત્યારબાદ એ જ ટીમ સામેની બીજી ટેસ્ટમાં એ 70 રન અને 33 રન નોટઆઉટ, એમ બે દાવ રમ્યો હતો. મતલબ કે બે ટેસ્ટમાં એણે 118.50ની એવરેજ સાથે 237 કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
