National News : નિઠારી કાંડ (Nithari Kand)ના આરોપી સુરેન્દ્ર કોલી (Surendra Koli)એ હરિદ્વારમાં આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. ઉત્તર હરિદ્વારના ભૂપતવાલા વિસ્તારમાં શુક્રવારે તેણે પોતાની ચાની દુકાનમાં પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી છે. નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટમાંથી અંતિમ કેસમાં પણ નિર્દોષ જાહેર થયા બાદ તે લગભગ 19 વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યો હતો.
નિઠારી કાંડ (Nithari Kand)થી દેશભરમાં મચી હતી સનસનાટી
નોઇડાના નિઠારી વિસ્તારમાં 2005-06 દરમિયાન બાળકો અને મહિલાઓ ગુમ થવાના અનેક મામલા સામે આવ્યા હતા. 29 ડિસેમ્બર 2006ના રોજ સેક્ટર-31માં આવેલી મોનિન્દર સિંહ પંઢેરની કોઠી D-5 પાછળના નાળા અને આસપાસના વિસ્તારમાંથી માનવ ખોપરીઓ, હાડકાં, કપડાં સહિતના અવશેષો મળ્યા હતા.
આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં ભારે ચર્ચા થઈ હતી. ત્યારબાદ મોનિન્દર સિંહ પંઢેર અને તેના ઘરેલુ સહાયક સુરેન્દ્ર કોલી (Surendra Koli)ની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2007માં તપાસ CBIને સોંપવામાં આવી હતી.
13 કેસમાં મોતની સજા, બાદમાં કોર્ટમાંથી રાહત
તપાસ બાદ સુરેન્દ્ર કોલી સામે હત્યા, બળાત્કાર, અપહરણ અને પુરાવા નષ્ટ કરવા સહિતના ગંભીર આરોપોમાં કાર્યવાહી થઈ હતી. કુલ 16 કેસમાં CBIએ ચાર્જશીટ દાખલ કરી હતી. એક તબક્કે કોલીને 13 અલગ-અલગ કેસમાં મોતની સજા ફટકારવામાં આવી હતી.
જોકે, બાદમાં આ કેસોમાં થયેલી કાર્યવાહી અને પુરાવા અંગે અદાલતોમાં સવાલો ઉઠ્યા હતા. 2023માં અલ્હાબાદ હાઈકોર્ટે 12 કેસમાં કોલીને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે તેના કબૂલનામાની વિશ્વસનીયતા અંગે પણ નોંધ કરી હતી.
2025માં અંતિમ કેસમાં પણ થયો નિર્દોષ
30 જુલાઈ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે 12 કેસમાં નિર્દોષ છૂટવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ત્યારબાદ માત્ર એક કેસ બાકી રહ્યો હતો. 11 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આ અંતિમ કેસમાં પણ તેની દોષસિદ્ધિ રદ કરીને તેને નિર્દોષ જાહેર કર્યો હતો.
આ નિર્ણય બાદ લગભગ 19 વર્ષ જેલમાં રહ્યા પછી સુરેન્દ્ર કોલી (Surendra Koli)બહાર આવ્યો હતો. ત્યારબાદ તે હરિદ્વારમાં રહેતો હતો.
ચાર દિવસ પહેલાં જ શરૂ કરી હતી ચાની દુકાન

માહિતી મુજબ સુરેન્દ્ર કોલી (Surendra Koli)એ ઘટનાના માત્ર ચાર દિવસ પહેલાં જ રસ્તાના કિનારે નાની ચાની દુકાન ભાડે લીધી હતી. તેણે દુકાન માટે માલિકને કેટલાક મહિનાનું એડવાન્સ ભાડું પણ આપ્યું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.
પાડોશીઓના જણાવ્યા પ્રમાણે, વિસ્તારમાં કુંભની તૈયારીઓને લઈને દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ સ્થિતિમાં નવી દુકાન પણ હટાવી દેવામાં આવશે અને એડવાન્સ રકમ ફસાઈ જશે તેવી ચિંતા તેને હતી એવી ચર્ચા છે. જોકે, સુરેન્દ્ર કોલીએ આત્મહત્યા (Suicide) શા માટે કરી તેનું ચોક્કસ કારણ હજુ પોલીસ તપાસનો વિષય છે.
