Botad Garage Murder Case: બોટાદ શહેરમાં નજીવી શંકા અને જૂની અદાવતના કારણે હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. તાજપર સર્કલ નજીક પંચપીરની દરગાહ પાસે આવેલા એક ગેરેજમાં સાથી કારીગર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કારીગરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. પોલીસે હત્યાના આરોપમાં સાથી કારીગર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મોબાઈલને લઈને શરૂ થયો હતો વિવાદ
પ્રાથમિક માહિતી મુજબ, ઘટનાની શરૂઆત થોડા દિવસ પહેલાં મોબાઈલ ચોરીની શંકાથી થઈ હતી. ગેરેજમાં (Botad)કામ કરતા ગુરપ્રીતસિંગ ઉર્ફે ગોગી તેજાસિંગ મટુએ અન્ય કારીગર હરપ્રીતસિંગનો મોબાઈલ છુપાવીને ચરણસિંગ બાબુસિંગના થેલામાં મૂકી દીધો હોવાનો આરોપ છે. મોબાઈલ ચરણસિંગના થેલામાંથી મળ્યા બાદ તેણે સમગ્ર હકીકત હરપ્રીતસિંગને જણાવી હતી. આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જોકે ગેરેજના માલિક ઇમરાનભાઈ શાહે વચ્ચે પડીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
સમાધાન છતાં મનમાં રાખી અદાવત?
પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, સમાધાન થયા બાદ પણ ગુરપ્રીતસિંગે આ બાબત મનમાં રાખી હતી. ત્યારબાદ તેણે ચરણસિંગ પાસેથી બદલો લેવાનો નિર્ણય કર્યો હોવાનો આરોપ છે. ગઈકાલે સાંજે આશરે પોણા આઠ વાગ્યે ગુરપ્રીતસિંગે ચરણસિંગને સોડા પીવાના બહાને બોલાવ્યો હતો. બંને નજીક આવ્યા બાદ અચાનક ચરણસિંગ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. છરીના ઘા તેની છાતીના ડાબા ભાગ અને પીઠમાં વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. લોહીલુહાણ(Botad) હાલતમાં ચરણસિંગને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે તબીબોની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

ગેરેજ માલિકે આરોપીને રૂમમાં બંધ કર્યો
હુમલા બાદ ગેરેજ માલિક ઇમરાનભાઈ શાહે સતર્કતા દાખવી હતી. તેમણે ગુરપ્રીતસિંગને ગેરેજના સામાનના રૂમમાં બંધ કરીને બહારથી સ્ટોપર લગાવી દીધો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. પોલીસ (Botad) ટીમે સ્થળ પર પહોંચી આરોપીને કબજામાં લીધો હતો.
પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
બોટાદ(Botad) ટાઉન પોલીસે ગેરેજ માલિકની ફરિયાદના આધારે ગુરપ્રીતસિંગ સામે BNS કલમ 103(1) હેઠળ હત્યાનો તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને હત્યા પાછળના ચોક્કસ કારણો તથા ઘટનાક્રમ અંગે વધુ માહિતી મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો: ભરૂચમાં શેરડીના ખેતરમાંથી 7 દિવસમાંથી 3 માનવ કંકાલ-મૃતદેહ મળતા ચકચાર
આ પણ વાંચો: બોટાદના હડદડ ઘર્ષણ મામલે યજ્ઞેશ દવેના ગંભીર આરોપોથી માહોલ ગરમાયો
આ પણ વાંચો: મોરબી બ્રિજ દુર્ઘટના મામલે SIT રિપોર્ટમાં મોટો ખુલાસો, ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી
