Saurashtra Industry War Impact: શિયા-યુક્રેન બાદ હવે મધ્ય પૂર્વ (Middle East) માં વકરેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે અસ્થિરતા સર્જાઈ છે, જેની ગંભીર અસરો સૌરાષ્ટ્રના સ્મોલ અને મીડિયમ સ્કેલ ઉદ્યોગો પર જોવા મળી રહી છે. રાજકોટનું એન્જિનિયરિંગ હબ હોય કે મોરબીનો સિરામિક ઉદ્યોગ, દરેક ક્ષેત્રે અત્યારે ચિંતાના વાદળો ઘેરાયા છે.
Saurashtraમાં ઉદ્યોગકારોની કમર તૂટી
યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ (Natural Gas) ના ભાવોમાં ઉછાળો આવ્યો છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગો મોટાભાગે ગેસ અને ઇંધણ પર નિર્ભર હોવાથી કાચા માલના પરિવહનથી લઈને ફેક્ટરી ચલાવવા સુધીનો ઉત્પાદન ખર્ચ વધતા તેમનું પ્રોફિટ માર્જિન સતત ઘટી રહ્યું છે. આ ઉપરાંત, મોરબીના સિરામિક પ્લાન્ટ્સ પણ ગેસના ભાવ પર ટકી રહ્યા હોવાથી સિરામિક ઉદ્યોગ પર તેનો મોટો ફટકો પડ્યો છે. જો ગેસના ભાવ હજુ વધુ વધશે તો સિરામિક ઉત્પાદનો પણ મોંઘા થશે, જેની સીધી અસર તેના વેચાણ પર પડશે.

નિકાસ (Export) આધારિત ઉદ્યોગોને મોટો ઝટકો
રાજકોટ અને જામનગરના અનેક ઉદ્યોગો મધ્ય પૂર્વના દેશોમાં મશીનરી, સ્પેરપાર્ટ્સ અને બ્રાસના સાધનોની નિકાસ કરે છે. જોકે, યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સપ્લાય ચેઈન ખોરવાતા નવા ઓર્ડર મળતા બંધ થયા છે અને જૂના ઓર્ડરના પેમેન્ટ અટવાઈ શકે તેવી ઓર્ડર કેન્સલ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, દરિયાઈ માર્ગો પર તણાવ વધતા શિપિંગ ભાડામાં પણ ધરખમ વધારો થયો છે, જે સ્થાનિક નિકાસકારો માટે પડ્યા પર પાટું મારવા સમાન સાબિત થઈ રહ્યો છે.
નાના ઉદ્યોગો પર મંદીની છાયા
જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો રાજકોટના નાના એન્જિનિયરિંગ યુનિટ્સ માટે ટકી રહેવું મુશ્કેલ બનશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અનિશ્ચિતતાને કારણે વેપારીઓ નવા રોકાણ કે મોટા સ્ટોક કરતા અચકાઈ રહ્યા છે. પરિણામે માર્કેટમાં રોકડની ખેંચ અને મંદીનો માહોલ સર્જાઈ રહ્યો છે.
ઉદ્યોગકારોનું માનવું છે કે જો સ્થિતિ જલ્દી થાળે નહીં પડે તો સૌરાષ્ટ્રના અર્થતંત્રને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે.
આ પણ વાંચો: સાડી ઉદ્યોગને લાગ્યું યુદ્ધનું ગ્રહણ! જેતપુરમાં ટેક્સટાઈલ એકમો બંધ થવાની અણીએ, સાડીના ભાવમાં વધારો
આ પણ વાંચો: ઈરાન-ઇઝરાયલ યુદ્ધની ઉદ્યોગો પર અસર, રાજકોટના પટોળા ઉદ્યોગથી લઈને વડોદરામાં કોલસાની માંગ વધી
આ પણ વાંચો: ગોંડલ–આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકી, આગમાં બે લોકો જીવતા ભુંજાયા
