Rajkot News/ સાડી ઉદ્યોગને લાગ્યું યુદ્ધનું ગ્રહણ! જેતપુરમાં ટેક્સટાઈલ એકમો બંધ થવાની અણીએ, સાડીના ભાવમાં વધારો

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે Jetpurના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાચા માલ અને ગેસના ભાવ વધતા અનેક એકમો બંધ થયા છે. 80 હજાર શ્રમિકોની રોજગારી પર સંકટ તોળાયું છે.

Gujarat Top Stories Rajkot
Jetpur Textile Industry Crisis

Jetpur Textile Industry Crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે જે અસ્થિરતા સર્જાઈ છે, તેની સીધી અને અત્યંત માઠી અસર રાજકોટના જેતપુરના પ્રખ્યાત ટેક્સટાઈલ ઉદ્યોગ પર પડી છે. કાચા માલના ભાવમાં તોતિંગ વધારો અને કોમર્શિયલ ગેસની ભયંકર અછતને કારણે જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટિંગ એકમોની હાલત કફોડી બની ગઈ છે. સ્થિતિ એટલી ગંભીર છે કે અનેક મશીનવાળા એકમો બંધ કરવાની નોબત આવી છે, જેનાથી હજારો શ્રમિકોની રોજીરોટી પર સંકટ તોળાઈ રહ્યું છે.

Jetpur : ઉત્પાદન ખર્ચમાં 30% સુધીનો તોતિંગ ઉછાળો

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન દ્વારા તાજેતરમાં મળેલી કારોબારી બેઠકમાં લેવાયેલા નિર્ણયો ઉદ્યોગની વર્તમાન ગંભીરતા દર્શાવે છે. એસોસિયેશનના સેક્રેટરી ચેતનભાઈ જોગીના જણાવ્યા મુજબ, સાડીના પ્રિન્ટિંગ અને ફિનિશિંગ માટે વપરાતા કલર તેમજ કેમિકલ્સના ભાવમાં 20 થી 30 ટકાનો ધરખમ વધારો થયો છે. આ ઉપરાંત, પેકિંગ મટીરિયલ તેમજ બળતણ તરીકે વપરાતા કોલસા અને ગેસના ભાવ પણ 30 ટકા જેટલા ઉંચકાયા છે. આ વધી રહેલા આર્થિક બોજાને પહોંચી વળવા માટે હવે પ્રિન્ટિંગ જોબવર્કમાં પ્રતિ મીટર ₹2 અને સાડી દીઠ ₹10 નો ભાવ વધારો ઝીંકવાની એસોસિયેશનને ફરજ પડી છે.

Jetpur Textile Industry Crisis

ગેસની અછતે વધારી મુશ્કેલી

એસોસિયેશનના પ્રમુખ જયંતિભાઈ રામોલીયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી કારખાનેદારો નુકસાન વેઠીને પણ એકમો ચલાવતા હતા જેથી મજૂરો ભૂખ્યા ન રહે. પરંતુ હવે યુદ્ધના કારણે કોમર્શિયલ LPG ગેસના પુરવઠામાં મોટી અછત ઊભી થઈ છે. ગેસ વિના મશીન ચલાવવા અશક્ય હોવાથી જેતપુરના મોટાભાગના ટેક્સટાઈલ એકમોમાં ઉત્પાદન સાવ તળિયે પહોંચી ગયું છે અને કેટલાક તો ફરજિયાતપણે બંધ કરી દેવાયા છે.

80 હજાર શ્રમિકોના પરિવાર પર આર્થિક સંકટ

જેતપુર અને આસપાસના પંથકની જીવાદોરી સમાન આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 80,000 થી વધુ શ્રમિકો જોડાયેલા છે. જો યુદ્ધની આ સ્થિતિ લાંબો સમય ચાલશે અને કાચા માલ કે ગેસના ભાવમાં ઘટાડો નહીં થાય, તો જેતપુરના આર્થિક તંત્ર પર તેની અત્યંત માઠી અસર પડશે. નાના વેપારીઓ અને આનુસંગિક ઉદ્યોગો પણ અત્યારે ફફડાટ અનુભવી રહ્યા છે.

જેતપુરનો આ રંગબેરંગી ઉદ્યોગ અત્યારે યુદ્ધના ‘કાળા પડછાયા’ નીચે દબાઈ રહ્યો છે, ત્યારે સરકાર આ બાબતે કોઈ રાહત આપે તેવી માંગ ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે.


આ પણ વાંચો: રાજકોટ જેતપુરના રબારીકા રોડ પર ટેકસટાઇલના કારખાનામાં લાગી આગ

આ પણ વાંચો: જેતપુરના જેતલસર રેલવે પુલ પર ગમખ્વાર અકસ્માત: યુવક-યુવતીનું મોત, બે ગંભીર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: ગોંડલ–આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકી, આગમાં બે લોકો જીવતા ભુંજાયા