છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષની શોધમાં છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસે ગુરુવારે કહ્યું છે કે, પાર્ટીની વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી) ની બેઠક સંસદનાં વર્તમાન સત્ર પછી યોજાશે, આ બેઠકમાં રાહુલ ગાંધી દ્વારા છોડવામાં આવેલ અધ્યક્ષ પદને લઇને ચર્ચા કરવામાં આવશે. જો કે હજુ તેની તારીખ નક્કી કરવામાં આવી નથી.
કોંગ્રેસ પાર્ટીનાં મહાસચિવો-પ્રભારિયોની બેઠક બાદ પાર્ટીનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયાને કહ્યું કે કોંગ્રેસ કાર્યકારી સમિતિનો એજન્ડા શું હશે, હું હાલમાં કહી શકતો નથી કારણ કે હજુ એજન્ડા નક્કી થયો નથી. કાર્યકારી સમિતિની બેઠક સંસદનાં આ સત્ર બાદ થશે. તેમણે કહ્યુ કે, જ્યારે બેઠકની તારીખ નક્કી કરવામાં આવશે, ત્યારે તમને સૂચિત કરવામાં આવશે. સુરજેવાલાએ વધુમાં કહ્યુ કે, પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર રહેશે. જાણવા મળી રહ્યુ છે કે આ બેઠકમાં કોંગ્રેસનાં નવા અધ્યક્ષને લઇને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યુ હતુ તો બીજી તરફ કોંગ્રેસને કારમી હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો, જેને લઇને પાર્ટીમાં વાદ વિવાદો થતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. તે સમયથી પાર્ટીમાં નવા અધ્યક્ષને લઇને સતત ચર્ચા વિચારણાઓ શરૂ થઇ ગઇ છે. પાર્ટી એક એવા ચહેરની શોધમાં છે જે પાર્ટીની નબળાઇને દૂર કરી શકે અને પાર્ટીને ફરી જનતાનો સાથ મળી શકે તેવા પ્રયત્નો કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
