નાગરીકતા સુધારણા બિલ લોકસભામાં પસાર થયા બાદ બુધવારે રાજ્યસભામાંથી પણ પસાર કરવામાં આવ્યું હતું. હવે આ ખરડા પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મહોર બાદ, તેનો અમલ આખા દેશમાં કરવામાં આવશે. એક તરફ, દેશમાં વસતા શરણાર્થીઓમાં ઉત્સવનું વાતાવરણ છે, ત્યારે ઉત્તર-પૂર્વી રાજ્યોમાં આ બિલને લઇને હંગામો મચ્યો છે. નાગરીકતા સુધારણા બિલ પસાર થયા બાદ પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાટજૂએ પોતાની ગુસ્સો વ્યક્ત કરતા પીએમ મોદી પર નિશાનો સાધ્યો હતો.
સીએબી પર નારાજગી વ્યક્ત કરતા જસ્ટિસ કાટજૂએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે, દેશમાં આગ લાગેલી છે, આસામ પણ કાશ્મીરની જેમ સળગી રહ્યુ છે. ભગવાન હનુમાને માત્ર સોનાની લંકાને જ આગ લગાવી હતી, પરંતુ આધુનિક હનુમાનજી આખા ભારતમાં આગ લગાડશે. ઉલ્લેખનીય છે કે બુધવારે રાજ્યસભામાં 8 કલાકની ચર્ચા દરમિયાન વિપક્ષ પણ સતત સીએબીનો વિરોધ કરી રહ્યુ હતુ અને અનેક વાર હંગામો પેદા કર્યો હતો.
આપને જણાવી દઇએ કે બિલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં નાગરીકોને ભારતીય નાગરિકતા આપવામાં આપવામા આવશે. આ બિલને લઇને ઉત્તર પૂર્વી રાજ્યો ત્રિપુરા, અસમ સહિત અનેક રાજ્યોમાં પ્રદર્શન તીવ્ર બન્યા છે. આસામની પરિસ્થિતિ સૌથી ખરાબ છે. જ્યાં આવતા 48 કલાક ઇન્ટરનેટ સેવા બંધ રહેશે તેવુ સુત્રો જણાવી રહ્યા છે અને અહી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને ગોળીબાર પણ કરવો પડ્યો છે.
આસામનાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘હું આસામનાં તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરું છું. આ આપણી સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક પરંપરા છે. હુ માનું છું કે આસામનાં લોકો આવનારા સમયમાં શાંતિ જાળવશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘ખોટી માહિતી અને ભ્રામક પ્રચાર દ્વારા લોકોનાં કેટલાક જૂથ આસામની પરિસ્થિતિ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે આસામમાં 10 થી 15 મિલિયન લોકો નાગરિકતા લેવાના છે. આ એક ખોટો પ્રચાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
