New Delhi News : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતા જણાવ્યું છે કે માસિક ધર્મ (Menstrual Hygiene) દરમિયાન સ્વચ્છતાનો અધિકાર એ બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અધિકાર અને ગોપનીયતાના અધિકારનો અભિન્ન ભાગ છે.
માસિક સ્રાવ (Menstrual Hygiene) દરમિયાન સ્વચ્છતા અને સુરક્ષા કોઈ દાન કે નીતિગત પસંદગી નથી
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માસિક સ્રાવ (Menstrual Hygiene) દરમિયાન સ્વચ્છતા અને સુરક્ષા કોઈ દાન કે નીતિગત પસંદગી નથી, પરંતુ ગૌરવ અને શારીરિક સ્વાયત્તતા સાથે જીવવાના અધિકારમાંથી વહેતો બંધારણીય હક છે.
રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને શાળાઓને ફરજિયાત નિર્દેશો
ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે છોકરીઓ અને મહિલાઓ માટે ગૌરવ, આરોગ્ય અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તથા શાળાઓને શ્રેણીબદ્ધ બંધનકર્તા નિર્દેશો જારી કર્યા છે. આ આદેશ શાળાની વિદ્યાર્થિનીઓ માટે મફત સેનિટરી પેડ્સ અને પૂરતી સ્વચ્છતા સુવિધાઓની માંગ કરતી અરજી પર આપવામાં આવ્યો.
તમામ શાળાઓમાં મફત બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન્સ ફરજિયાત
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે દરેક શાળામાં વિદ્યાર્થીનીઓને બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન્સ મફતમાં પૂરા પાડવામાં આવે
માસિક ધર્મ (Menstrual Hygiene) દરમિયાન સ્વચ્છતા માટે પૂરતી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે. કોર્ટે જણાવ્યું કે આ પાલન સરકારી તેમજ ખાનગી બંને સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે.
છોકરીઓ અને છોકરાઓ માટે અલગ શૌચાલય ફરજિયાત
કોર્ટે વધુમાં નિર્દેશ આપ્યો કે દરેક શાળામાં મહિલા અને પુરુષ વિદ્યાર્થીઓ માટે અલગ શૌચાલય હોવા જોઈએ. દિવ્યાંગતા-મૈત્રીપૂર્ણ શૌચાલયોની વ્યવસ્થા પણ ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે જો ખાનગી શાળાઓ આ નિયમોનું પાલન નહીં કરે તો તેમની માન્યતા રદ કરવામાં આવી શકે છે. ઉપરાંત સરકાર નિષ્ફળ જાય તો જવાબદાર ઠેરવાશે.
બેન્ચે કડક ટિપ્પણી કરતા કહ્યું કે જો સરકાર છોકરીઓને શૌચાલય અને મફત સેનિટરી પેડ પૂરા પાડવામાં નિષ્ફળ જશે તો સુપ્રીમ કોર્ટ સરકારને જવાબદાર ઠેરવશે.કોર્ટે નોંધ્યું કે મૂળભૂત સુવિધાઓનો અભાવ અને માસિક સ્રાવ (Menstrual Hygiene) અંગેનો કલંક છોકરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ગોપનીયતા પર સીધી અસર કરે છે.
ન્યાયાધીશ પારડીવાલાનું મહત્વપૂર્ણ અવલોકન
ચુકાદો સંભળાવતા પહેલા ન્યાયાધીશ પારડીવાલાએ ભાવનાત્મક અને મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. તેમણે કહ્યું કે “આ ઘોષણા ફક્ત કાનૂની વ્યવસ્થાના હિસ્સેદારો માટે નથી. તે એવા વર્ગખંડો માટે છે જ્યાં છોકરીઓ મદદ માંગવામાં અચકાય છે. તે એવા શિક્ષકો માટે છે જે મદદ કરવા માંગે છે પરંતુ સંસાધનોના અભાવે સક્ષમ નથી. પ્રગતિ એ રીતે માપવામાં આવે છે કે આપણે કેવી રીતે સંવેદનશીલ લોકોનું રક્ષણ કરીએ છીએ.”
હરિયાણા યુનિવર્સિટી ઘટનાથી ઉદ્ભવ્યો મુદ્દો
આ ચુકાદો ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થયેલી કાર્યવાહી બાદ આવ્યો, જ્યારે સુપ્રીમ કોર્ટે હરિયાણાની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીની એક ચિંતાજનક ઘટનાની નોંધ લીધી હતી. જ્યાં ત્રણ મહિલા સફાઈ કર્મચારીઓને માસિક ધર્મ (Menstrual Hygiene) હોવાનું સાબિત કરવા માટે તેમના સેનિટરી પેડ્સના ફોટોગ્રાફ્સ મોકલવા ફરજ પાડવામાં આવ્યા હતા.આ ઘટનાએ દેશભરમાં “પીરિયડ-શેમિંગ” સામે ભારે આક્રોશ ફેલાવ્યો હતો.
“ઘોર ઉલ્લંઘન છે કલમ 21નું”: SCBA
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા દાખલ અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આવી પ્રથાઓ જીવન, ગૌરવ,ગોપનીયતા અને શારીરિક અખંડિતતાના અધિકારનું ઘોર ઉલ્લંઘન છે. SCBA એ વધુમાં જણાવ્યું કે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે માસિક સ્રાવ (Menstrual Hygiene) દરમિયાન યોગ્ય અને સુરક્ષિત કાર્ય પરિસ્થિતિઓ સુનિશ્ચિત થવી જોઈએ.અપમાનજનક તપાસ નહીં, વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ
અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે જો કોઈ મહિલા માસિક પીડાને કારણે ભારે કામ કરી શકતી નથી, તો તેને અપમાનજનક તપાસનો ભોગ બનાવવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.
હરિયાણા સરકારની કાર્યવાહી
હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે યુનિવર્સિટી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં જવાબદાર બે વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે
આ ચુકાદો માત્ર શાળાઓમાં મફત સેનિટરી પેડ્સ પૂરતું નથી, પરંતુ તે મહિલાઓના ગૌરવ, સમાનતા, આરોગ્ય અને ગોપનીયતાના અધિકારોને મજબૂત બનાવતું એક ઐતિહાસિક પગલું છે.
