Global Warming 2050 Heatwave India: ગ્લોબલ વોર્મિંગ હવે માત્ર ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ એક ભયાનક વાસ્તવિકતા બની રહ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજેતરના એક અભ્યાસે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ સ્ટડી મુજબ, જો પૃથ્વીનું તાપમાન આ જ ગતિએ વધતું રહેશે, તો વર્ષ 2050 સુધીમાં અબજો લોકો અસહ્ય ગરમીની ચપેટમાં આવી જશે અને તેમાં ભારત સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક હશે.
Global Warming: અડધી દુનિયા ગરમીમાં શેકાશે
‘નેચર સસ્ટેનેબિલિટી’ જર્નલમાં પ્રકાશિત આ અહેવાલ જણાવે છે કે જો ધરતીનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ વધશે, તો 2050 સુધીમાં વિશ્વની લગભગ અડધી વસ્તી (આશરે 3.79 અબજ લોકો) ભયંકર ગરમીનો સામનો કરશે. 2010માં જ્યાં માત્ર 23% વસ્તી ગરમીથી પરેશાન હતી, તે આંકડો વધીને 41% થી 50% સુધી પહોંચી શકે છે.

ભારત પર સૌથી મોટું જોખમ
અભ્યાસ મુજબ, ભારત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇજીરિયા અને ફિલિપાઇન્સ જેવા ગીચ વસ્તી ધરાવતા દેશોમાં ગરમીની અસર સૌથી વધુ થશે. ભારતમાં માત્ર ખેતી જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર પણ આની માઠી અસર પડશે. ભવિષ્યમાં ગરમીને કારણે મોટા પાયે સ્થળાંતર (Migration) પણ જોવી મળી શકે છે.

ઠંડા દેશો પણ નહીં બચે
નવાઈની વાત એ છે કે જે દેશો અત્યારે ઠંડા ગણાય છે, ત્યાં પણ હવે ગરમીનો પ્રકોપ વધશે. એક અંદાજ મુજબ, ઓસ્ટ્રિયા અને કેનેડામાં ગરમ દિવસોની સંખ્યા બમણી થઈ જશે, જ્યારે યુકે અને સ્વીડનમાં ગરમ દિવસોમાં 150%નો વધારો જોવા મળશે. સૌથી વધુ અસર નોર્વે અને આયર્લેન્ડ જેવા દેશોમાં વર્તાશે, જ્યાં ગરમીમાં 200%થી પણ વધુનો વધારો થવાની શક્યતા છે.
AC અને વીજળીની માંગમાં વિસ્ફોટ
અભ્યાસના મુખ્ય લેખક ડો. જીસસ લિઝાના જણાવે છે કે ઠંડા દેશોમાં ઘરો એવી રીતે બનેલા છે કે જે ગરમી સહન કરી શકતા નથી. પરિણામે, લાખો ઘરોમાં એર કન્ડીશનીંગ (AC) લગાવવાની જરૂર પડશે, જેનાથી દુનિયાભરમાં વીજળીની માંગ આકાશે આંબશે.

શું થશે અસર?
વધતી ગરમીને કારણે સ્વાસ્થ્ય પર માઠી અસર પડશે, જેનાથી હીટસ્ટ્રોક અને ગરમીને લગતી બીમારીઓમાં વધારો થશે. ખેતી ક્ષેત્રે પાક ઉત્પાદન ઘટવાને કારણે ભવિષ્યમાં ખાદ્ય સંકટ ઊભું થઈ શકે છે, જ્યારે અર્થતંત્ર પર પણ તેની અસર જોવા મળશે કારણ કે વીજળી અને કુલિંગ સિસ્ટમ પાછળનો ખર્ચ નોંધપાત્ર રીતે વધશે.
આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, સવારે ઠંડી તો બપોરે ગરમી, નલિયામાં સૌથી નીચું તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું
આ પણ વાંચો: દુનિયાના આ 5 સ્થળો પર જશો તો જીવ ગુમાવશો! આ લિસ્ટમાં ભારતની પણ એક જગ્યા સામેલ, જ્યાં જવા પર છે સખત મનાઈ
