- જાણે કે કોઇ પ્રસંગનું આગમન થઇ રહયુ હોય….
- તેવો માહોલ ખેતરોમાં સર્જાયો છે….
- ખેતરમાં ઢોલ ઢબુકી ઉઠયા છે…
- ચિચિયારીઓ થઇ રહી છે…
- ઉભા ખેતરમાં ટ્રેકટરો દોડાવાઇ રહયા છે..
- બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ખડેપગે ખેતરમાં રખોપા કરી રહી છે….
- હાથમાં થાળી અને ખેતરમાં તગારાના વાજા બનાવીને વગાડવામાં આવી રહયા છે….
- મહારાજાના આગમનને આવકાર અપાતો હોય તેમ બંદૂકના ઘડાકા પણ થઇ રહયા છે….
- ચારે તરફ…હોં..હા.. અને હાહાકાર જોવામાં આવી રહ્યો છે…
આ હાહાકાર તીડે મચાવ્યો છે…………….
ગુજરાતનાં ઉત્તર ભાગે ખેતરનું આકાશ રાઇના દાણાની જેમ હવામાં ઉડી રહેલા તીડના ટોળાથી ઉભરાઇ રહયુ છે. કરોડોની સંખ્યામાં ઉડતા તીડના ટોળાએ આખા આકાશને ઘેરી લીધું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા. આ જીલ્લાઓના આશરે ચારસોથી સાડાચારસો કિલોમીટરના વિસ્તારને તીડે તેમની રણભૂમિ બનાવી દીધી છે. જેને લઇને ખેડૂતો ત્રાહીમામ થઇ ગયા છે.
રાજસ્થાનથી પાકિસ્તાન થઇને ઇરાન ઇરાક જવા નીકળેલા રણતીડ 14 ડિસેમ્બરે વાવ તાલુકાના કારેલી ગામમાં સૌપ્રથમ 14 કિલોમીટર લાંબા ઝુંડમાં જોવા મળ્યા હતા. દવાનો જેમ જેમ છંટકાવ કરાયો તેમ તેમ તીડના ટોળાના ભાગ પડતા ગયા. આ રણતીડના પાંચથી છ ભાગ પડ્યા અને દોઢથી બે કિલોમીટરના ઝુંડ બની ગયા. જેમાં એક સપ્તાહ પહેલાં સુઈગામનું એક ઝુંડ પાટણ જિલ્લાના ગામોમાં પહોંચ્યું હતું. જ્યાં હવા પલટાતાં બનાસકાંઠામાં પરત ફર્યુ હતું. તે જ રીતે બે દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના સતલાસણા પહોંચેલું ઝુંડ દાંતાના વશી ગામમાં પરત ફર્યું હતું. આ 10 દિવસમાં તીડોનાં ઝુંડ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં આશરે 400થી 450 કિલોમીટર વિસ્તારના પટ્ટામાં ઉડાઉડ કરી છે.
બનાસકાંઠાના 95 ગામો, મહેસાણાના સતલાસણાના તાલુકાના ચાર ગામો તેમજ પાટણ જિલ્લાના સાંતલપુરના 2 અને સરસ્વતી તાલુકાના એક ગામમાં પડ્યા હતા, જ્યાં રાયડો, એરંડા, કપાસ, ઘઉં, વરિયાળી સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. સતલાસણાના ચાર ગામોમાં તીડના આક્રમણથી એરંડા, ઘઉં અને રાયડાને ભારે નુકસાન થયું. અને તીડોનું આ ઝુંડ સતલાસણાથી બનાસકાંઠા તરફ વળી ગયું હતું. બનાસકાંઠા જિલ્લામાં તીડના જુદા-જુદા 4 ઝુંડ ઉડાઉડ કરી રહ્યા છે. જેમાં સતલાસણાવાળું ઝુંડ દાંતા તાલુકાના વશી ગામમાં, વડગામવાળું તીડનું ઝુંડ મગરવાડા નજીક બાદરપુરામાં, અને સુઇગામવાળુ તીડનું ટોળુ જલોયા ગામ રણમાં, જ્યારે ડીસાના બાઇવાડાવાળુ ઝુંડ દાંતીવાડાના કોટડા અને જેગોલમાં સ્થિર થયું હતું. પાછલા 2 દિવસમાં ડીસાના 17, વડગામના 7, દાંતીવાડાના 6 અને ધાનેરાના 2 ગામોમાં તીડનો આતંક જોવા મળ્યો. 10 દિવસમાં 95 ગામોમાં તીડ ઘૂસ્યા છે જેને લઇને ખેડૂતોને ભારે નુકશાન થયુ છે. છેલ્લા 10 દિવસથી તીડ દ્વારા મચેલા તરખાટનો હજુ સુધી કોઇ તોડ નિકળ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
