30 વર્ષથી ચાલી રહેલ જમીન મુદ્દે વિવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાની જમીનનો કબ્જો મેળવવા આવેલ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. આ કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે મૃતકની સાથે જમીનનો કબ્જો મેળવવા માટે 10 પોલીસકર્મીઓ આવ્યા હતા, આ 10 પોલીસકર્મીઓની હાજરીમાં જ આ ખૂની ખેલ ખેલાયો અને પોલીસ ઊભા ઊભા મોતનો તમાશો જોતી રહી!
આ મામલે મળી રહેલ માહિતી અનુસાર રાજકોટના ઠેબચડા ગામમાં રહેતા લક્ષધીર સિંહ જાડેજાની માલિકીની જમીન પર કોળી પરિવારે કબ્જો કરી લીધો હતો. આ મામલે છેલ્લા 30 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે લક્ષધીર સિંહ જાડેજા તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. ચુકાદા બાદ લક્ષધીર સિંહ પોતાની માલિકીની જમીનનો કબ્જો મેળવવા ગયા હતા. આ દરમિયાન 12 જેટલા વ્યક્તિઓએ તેમના પર તિક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એચ.એલ રાઠોડે આ મામલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશથી લક્ષધીર સિંહ આજી ડેમ પોલીસ સ્ટેશનના 10 પોલીસકર્મી સાથે જમીનનો કબ્જો લેવા ગયા હતા. જ્યાં કોળી પરિવારના છગન અને મગન સહિત 10 જેટલા લોકોએ તેના પર તલવાર, ધારિયું, કુહાડી અને લોખંડની પાઈપથી હુમલો કર્યો.
આ હુમલામાં લક્ષધીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા જ્યાં ઈજાથી તેમનું મોત થઈ ગયું. આ હુમલામાં લક્ષધીરસિંહની સાથે તેના બે પિતરાઈ ભાઈ હરેન્દ્રસિંહ અને બલવતંસિંહ જાડેજા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
