Ahmedabad News: દિવાળીથી ભાઈબીજ વચ્ચેના તહેવારોના દિવસોમાં સાબરમતી નદીમાં પાંચ અલગ-અલગ વ્યક્તિઓએ(Ahmedabad Sabarmati River) ઝંપલાવ્યું હતું. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની રિવર રેસ્ક્યૂ ટીમે નદીમાંથી 4 મૃતદેહ બહાર કાઢ્યા હતા, જ્યારે 1 યુવકને જીવતો બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. એલિસબ્રિજ, અટલ બ્રિજ અને દધીચિ બ્રિજ પાસે આ ઘટનાઓ બની હતી. પોલીસે મૃતકોની ઓળખ અને પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.
Ahmedabad Sabarmati River: એલિસબ્રિજ અને અટલ બ્રિજ વચ્ચેથી યુવકનો મૃતદેહ મળ્યો
પ્રથમ ઘટનામાં દિવાળીની સવારે એલિસબ્રિજ અને અટલ બ્રિજ (Atal Bridge)વચ્ચેથી એક વ્યક્તિની બેગ, મોબાઈલ ફોન, ચંપલ અને મોટરસાઇકલની ચાવી મળી આવી હતી. સ્થાનિક સૂચના મળતાં જ ફાયર વિભાગની રિવર રેસ્ક્યૂ ટીમે શોધખોળ શરૂ કરી હતી. ટીમે માત્ર 1 કલાકમાં ફેનિલ નામના યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો અને આગળની તપાસ માટે પોલીસને સોંપ્યો હતો.
પતંગ હોટેલ નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
દિવાળીના દિવસે જ રિવરફ્રન્ટ પર પતંગ હોટેલ તરફ નદીના પાણીમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. રિવરફ્રન્ટના સુરક્ષાકર્મીએ પોલીસ અને ફાયર વિભાગ(Fire Department)ને જાણ કરતાં રેસ્ક્યૂ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. મૃતક પાસેથી ઓળખ માટેનો કોઈ દસ્તાવેજ કે સામાન મળ્યો ન હતો, તેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારની શોધખોળ હાથ ધરી.
દધીચિ બ્રિજ પાસેથી કૂદેલા યુવકને જીવતો બહાર કઢાયો
ત્રીજી ઘટનામાં દિવાળીના બીજા દિવસે બપોરે એક વ્યક્તિએ દધીચિ બ્રિજ (Dadhichi Bridge)નજીક નદીમાં ઝંપલાવ્યું હતું. રિવર રેસ્ક્યૂ ટીમે ત્વરિત કામગીરી કરીને તેને બહાર કાઢ્યો, ત્યારે તે જીવિત હોવાનું જણાયું. બચી ગયેલા વ્યક્તિની ઓળખ પ્રવીણ કાંબલે તરીકે થઈ છે. તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
રાત્રિના સમયે વધુ એક યુવકનું ડૂબી જવાથી મોત
તે જ દિવસે મોડી રાત્રે એક વ્યક્તિને નદીમાં કૂદતો જોઈને સુરક્ષાકર્મીએ ફાયર વિભાગને સતર્ક કર્યો. રેસ્ક્યૂ ટીમે રાતભર સર્ચ ઓપરેશન ચલાવી સાજિદ પઠાણ નામના વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢ્યો. ત્યારબાદ મૃતદેહ પોલીસને સોંપાયો અને કાયદેસરની કાર્યવાહી સાથે પોસ્ટમોર્ટમ માટે મોકલાયો.
ભાઈબીજની સવારે એલિસબ્રિજ પાસેથી વધુ એક મૃતદેહ મળ્યો
પાંચમી ઘટનામાં ભાઈબીજની સવારે એલિસબ્રિજ નજીક એક સુરક્ષાકર્મીને નદીમાં વધુ એક મૃતદેહ તરતો દેખાયો. રેસ્ક્યૂ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો, પરંતુ કોઈ ઓળખપત્ર મળ્યું ન હતું. મૃતકના હાથ પર અંગ્રેજીમાં ‘Paresh’ લખેલું જોવા મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને મૃતકની ઓળખ તથા પરિવારજનોને શોધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: સાબરમતીના પાણીમાં પ્રદૂષણનો ગંભીર મુદ્દો! આ જ પાણીથી ઉગાડાતાં શાકભાજી અમદાવાદના બજારોમાં પહોંચે છે?
આ પણ વાંચો: સાબરમતી નદીમાં ખનન માફિયાઓ પર તંત્રનો સપાટો, 9 વાહનો જપ્ત
આ પણ વાંચો: સાબરમતીમાં સતત બીજા દિવસે યુવકને બચાવાયો: પોલીસ-ફાયર ટીમ પહોંચે તે પહેલાં સ્કીમર મશીન બન્યું મદદરૂપ
