વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદમાં અમૂલની ચોકલેટ ફેક્ટરી અને રાજકોટમાં આલ્ફ્રેડ સ્કૂલને મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તા. 30મી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ મનપા દ્વારા પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે.

રાજકોટ ખાતે આવેલી આલ્ફ્રેડ સ્કૂલમાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 26 કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આલ્ફ્રેડસ્કૂલની સ્થાપના 1868માં કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી.

આણંદ પાસેના મોગર ખાતે અમૂલનો ચોકલેટ પ્લાન્ટ આવેલો છે. 1.5 મેટ્રીક ટન પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતી સતત ચોકલેટ મેકીંગ લાઇન સ્થાપિત કરી છે. અમૂલ ડેરી દ્વારા ચોકલેટ પ્લાન્ટના ઉદઘાટન માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
