કોઇ લાપરવાહી સાથે આગ લગાવે અને આ આગને કારણે ચાર-પાંચ નવજાત શીશુઓ કે જે પોતાનો બચાવ કરવા માટે પણ સક્ષમ ન હોય તે બળીને ભરથુ થઇ જાય, ત્યારે સમાજનાં તમામ લોકો અને દુનિયાભરનું રીએક્શન કેવું હશે…? જે લોકો વાતને સાદર્શ કરવાની શક્તિ ઘરાવે છે, તે તો કદાચ આ વાતને લઇને દિવસો સુધી ઉંધી પણ નહી શકે અને હવે આ નવજાત શીશુઓ માણસનાં નહી પણ કુતરાનાં હોય તો? તો લોકો અને દુનિયાભરનું રીએક્શન કેવું હશે? શું નવજાત શીશું કુતરાનાં છે એટલે કે ગલુડીયા છે માટે માણસ જીવદયા પ્રેમીમાંથી તુરંત નિષ્ઠુરમાં પરિવર્તે છે અને સહજ ભાવે કહી શકે છે કે વાત દુ:ખદ કહેવાય પણ આવુ તો થયા કરે યાર….આ વાત કડવી પણ સાચી છે કદાચ….

આમ તો કદાચ નિષ્ઠુર થઇ જાય છે તેવું નહીં… થઇ જાય ય જ છે અને આવું જ હશે કારણ…કારણ કે, જો આવુ ન હોય તો સોમવાર સવારથી ગુજરાતનાં તમામ માધ્યમો(સોશિયલ મીડિયા સહિતનાં માધ્યમો) માં એક જ વાત ગુંજી રહેલી જોવા મળત કે ગુજરાતનાં આ શહેરમા નાનકડી લાપરવાહીએ લીધો ચારથી પાંચ નવજાતોનો ભોગ….કોણે લગાવી આગ…? કોણ છે આ આંગ કાંડ પાછળ જવાબદાર…? વિગેરે વિગેરે સવાલોએ કોહરામ મચાવી દીધો હોય.

શું આપ જણાવી શકો છો કે, પરિવારની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય. તે તો જ્યારે પરિવારનો કોઇ સદસ્ય અલગ થાય ત્યારે જ ખ્યાલ આવે. આ વાત જેટલી માનવ જાતીને લાગુ પડે છે તેટલી જ અબોલ પશુને પણ લાગુ પડે છે. જણાવી દઇએ કે, ગુજરાતનાં પાટણ શહેરથી લાપરવાહીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાટણ શહેરની એક સોસાયટીનાં વિસ્તારમાં એક અજાણી મહિલાએ કચરો સળગાવતા શ્વાનનાં ગલુડિયા આગમાં હોમાયા હોવાની દુર્ઘટના બની છે.

પાટણ શહેરમાં લાપરવાહીની એક મોટી ઘટના બની છે. જીવદયા પ્રેમીઓને એક મોટો સદમો અપાવતી આ ઘટના પાટણનાં વાદી સોસાયટી વિસ્તારથી પ્રકાશમાં આવી છે. જણાવી દઇએ કે, પાટણમાં કોઇ અજાણી મહિલાએ કચરાનાં ઢગલાને સળગાવ્યો હતો, જે બાદ આ કચરામાં લાગેલી આગથી ચાનું એક કેબિન આગમાં ખાખ થઇ ગયુ હતુ. આ કેબીન નીચે શ્વાનનાં ગલુડિયાઓએ આશરો લીધો હતો. આશરો લઇ રહેલા નિર્દોષ શ્વાનનાં ગલુડિયા પણ આ આગમાં હોમાયા હતા.

જો કે નિર્દોષ અબોલા શ્વાને તેના ચાર ગલુડિયાઓને બચાવી લીધા હતા. આ શ્વાન પોતાના મોઢેથી ચાર ગલુડિયાઓને બહાર કાઠ્યા હતા અને બાદમાં તેમને સુરક્ષિત જગ્યાએ રાખ્યા હતા. જો કે આ આગમાં આ શ્વાન પોતાના ત્રણ ગલુડિયાઓને બચાવી ન શક્યો. ત્રણ ગલુડિયાઓનું શ્વાનની સામે જ આ આગમાં દર્દનાક મોત થયુ હતુ.
હ્રદય કંપાવી દેતી આ દુર્ઘટનામાં કોનો વાક છે અને કોનો વાંક નથી, તે તો સવાલ ઉભો જ રહ્યો પરંતુ આ એક કચરો સળગાવવામાં લાગેલી આગે શ્વાનનાં પરિવારને જુદા કરી દીધો. સમગ્ર દુર્ઘટનામાં કોઇને કોઇ રીતે માણસ દ્વારા કરવામા આવેલી અજાણતા ભૂલ પણ જવાબદાર ગણી જ શકાય છે. આજે પણ ઘણી જગ્યાએ કચરાને દૂર કરવા પર ખાસ લોકોનું ધ્યાન જતુ નથી, ત્યારે આ અંગે ઘણા સવાલો પણ ઉભા થાય છે. હવે અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે, આ સમગ્ર દુર્ઘટના વિશે આપ કોને જવાબદાર ગણશો?
