Arvalli News: ભાજપને શિસ્તબદ્ધ પક્ષ કહેવાય છે, પરંતુ હવે પક્ષના જ કાર્યકરો શિસ્તના લીરેલીરા ઉડાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપનું પ્રબુદ્ધ કાર્યકર સંમેલન યોજાયું હતું. પણ આ જ પ્રબુદ્ધ કાર્યકર સંમેલનમાં થયેલી માથાકૂટને લઈને મારામારી થઈ હતી. આના પગલે ભાજપના ત્રણ કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોડાસા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પૂરુ થયા પછી ભાજપના જ કાર્યકરો અંદરોઅંદર બાખડ્યા હતા. આ કાર્યકરો અંદરોઅંદર એવા બાખડ્યા કે એકબીજા પર હુમલો કર્યો હતો. આમ રીતસરની મારામારી છેડાઈ ગઈ હતી.
ભાજપના યુવા કાર્યકર સંમેલનમાં હાજરી આપીને પરત ફરી રહેલા માલપુર ભાજપના યુવા કાર્યકરો પર હુમલો થયો હતો. હુમલો કરનારા બીજું કોઈ નહીં પણ ભાજપના જ કાર્યકરો હતા. આ હુમલામાં સંડોવાયેલા પ્રિતેશસિંહ રાઠોડ, શિવાભાઈ પાંડોર અને રમેશભાઈ પાંડોર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સામે વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધાયો છે.
ડીવાયએસપી ડીકે વાઘેલાએ આ આખા પ્રકરણની વિગતની આપી હતી. ફરિયાદી મોડાસા ટાઉનમાં મીટિંગમાં ગયા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા ત્યાં સુંદરપુરા ગામ પાસે ત્રણેય આરોપીઓએ ફરિયાદીઓની ગાડી સાથે અથડાવી ઊભી રાખી હતી. બે આરોપીઓ પાસે સળિયો અને એક આરોપી પાસે ધારિયુ હતુ તેના વડે હુમલો કર્યો હતો. તેમણે અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ તેની અદાવત રાખી હુમલો કર્યો હતો. ફરિયાદીને અશ્લીલ ગાળો આપી હતી, માર માર્યો હતો, મોબાઇલ ઝૂંટવી લીધો હતો. તેની ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું. આના પગલે પોલીસે આખા પ્રકરણમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Aravalli News/અરવલ્લીમાં વીજ પુરવઠો ચાલુ કરવા લાંચ લેનારો UGVCLનો ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ ઝડપાયો
આ પણ વાંચો: Arvalli news/અરવલ્લી જિલ્લામાં એક જ પરિવારના 3 સભ્યોનો ભયાનક અકસ્માત, થયા કરૂણ મોત
આ પણ વાંચો: Aravalli News/નેપાળમાં ભાવનગરના 43 લોકો સહિત અરવલ્લીનો પરિવાર ફસાયો
