દિવાળીના પર્વની અનેક પરંપરાઓ છે. વિવિધ પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને દિવાળી અને ધનતેરસમાં વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે જાણે કે કોરોના કાળમાં ચોપડા બજારના તેજીના પાના કોરા રહે તેવા એંધાણ જોવા મળ્યા છે.
વાયરસનો વાર, પરંપરા અપરંપાર
કોરોનાકાળમાં પણ પૂજનીય પરંપરાઓ
ચોપડા પૂજન કરીને વર્ષ સારું જાય તેવી શ્રદ્ધા
….પરંતુ પરંપરા આડે હવે વાયરસનો વાર
કોરોનાકાળમાં વર્ષ 2020 તો બગડ્યું જ છે, પરંતુ આગામી નવું વર્ષ ન બગડે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવાની સાથે આખા વર્ષનો જે રોજગાર ધંધો છે તેનો નફો સારા પ્રમાણમાં થાય તેવી માન્યતા જોડાયેલી છે. પરંતુ કોરોના કાળમાં પૂજા કરવામાં આવતા ચોપડાના જ વેપારીઓનું આ વર્ષે રોજગાર પર જાણે કે કોરોના એ તરાપ મારી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ચોપડા બજારમાં આ વર્ષે ગ્રાહકોની જોઈએ તેટલી ચહલ પહેલ જોવા મળી નથી.
કોરોનાએ 8 મહિના સુધી પહોંચાડી અસર
નફો ઘટાડી વેપાર કરી રહ્યા છે ચોપડાના વેપારીઓ
હજી આવનારા વર્ષમાં ધંધા રોજગારની ગાડી પાટે ચઢતા થોડા મહિનાઓ નો પણ સમય લાગી શકે છે. આવા સમયે વેપાર ધંધાના હિસાબ કિતાબ રાખવામાં આવતા એવા ચોપડાની ખરીદીમાં આશરે 30 ટકા જેવી અસર થઈ છે. જ્યારે ચોપડાનો વેપાર થાય તે માટે વેપારીઓએ આ વર્ષે ચોપડાનો ભાવ પણ 30 ટકા સુધીનો ઘટાડી દીધો છે. તેમજ ઓછો નફો મેળવીને આ વર્ષે ચોપડાઓનું વેચાણ કરી રહ્યા છે. આ વર્ષે સદીઓથી ચાલી આવતી પરંપરા તો જળવાશે પરંતુ વર્ષોથી હિસાબી ચોપડા બનાવતા પરિવારોની રોજી રોટીને ધેરી અસર થઈ છે.
ચોપડા અને રોજમેળનો ઓછો સ્ટોક
બજારમાં કોરોનાને કારણે ઓછો સ્ટોક
અમદાવાદના ચોપડા બજારમાંથી મહારાષ્ટ્, રાજસ્થાન સહિત દેશભરમાં ચોપડા પૂજનના સાહિત્ય મોકલવામાં આવે છે.આ વર્ષે તેનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. કોરોના માં લાગુ કરેલા લોક ડાઉનમાં ચોપડાનો માલ પણ ઓછો બનાવવામાં આવ્યો છે. બીજી તરફ દર વર્ષે આ બજારનું 30 થી 40 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર હોય છે. પરંતુ નવા વર્ષે ચોપડા બજાર કોરોનામાં કોરા પન્ના ફરે તેની રાહ જોઈ રહ્યા છે.
@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
