Rajkot News : રાજકોટ શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલી શાંતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુરક્ષા અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) અને વીમા કંપનીએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ અને નિયમોના ભંગ બદલ કડક પગલાં લેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટની શાંતિ હોસ્પિટલના હોમ પોર્ટલ પર નોંધાયેલા ડોક્ટરો નિયમિત વિઝિટ દરમિયાન હાજર નહોતા રહેતા, જે દર્દીઓની સારવારમાં ગંભીર ખામી દર્શાવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા આપવામાં આવેલું સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હોવા છતાં હોસ્પિટલ દ્વારા તેને રિન્યુ કરાવવાની તસ્દી લેવામાં આવી નહોતી, જે પર્યાવરણીય નિયમોની અવગણના દર્શાવે છે. હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા જોવા મળ્યા હતા, જે દર્દીઓના નિદાન અને સારવારમાં ગંભીર ભૂલો તરફ દોરી શકે છે.
વધુમા, એક્સ-રે મશીન જેવા સંવેદનશીલ ઉપકરણોને હોસ્પિટલના જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા, જે દર્દીઓની સુરક્ષા માટે જોખમી છે. પોર્ટલ પરથી દૂર કરાયેલા તબીબ દ્વારા 24 સર્જરીઓ કરવામાં આવી હતી, જે ગેરકાયદેસર અને દર્દીઓના જીવ સાથે ચેડાં સમાન છે. ગંભીર ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ના પોર્ટલ પર 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ ગેરરીતિઓ માટે હોસ્પિટલને કુલ રૂ. 23.15 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તંત્ર આ બાબતમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી.
@ DHRUV KUNDEL
આ પણ વાંચો: સાસંદ શું કરી લેવાના છે એ તો સિવિલ હોસ્પિટલની મુલાકાત કર્યા કરે
આ પણ વાંચો: પાયલ હોસ્પિટલમાં સ્ત્રી દર્દીઓને નર્સ દ્વારા ઈંજેક્શન આપતા વીડિયો વાયરલ કેસમાં વધુ એક ઝડપાયો
