Politics/ બંગાળમાં શાહનવાઝની હુસેનની પસંદગી એક ગેમ પ્લાન – એક કાંકરે અનેક પક્ષી મારવા જેવો ખેલ

બિહારમાં વિધાન પરિષદની ચૂંટણી માટે શાહનવાઝની હુસેન જેવા રાષ્ટ્રીય નેતાની પસંદગી પાછળ બિહારમાં નીતિશકુમાર પર દબાણ વધારવાની સાથે બંગાળના મુસ્લિમ મતદારોને આકર્ષવા માટેની એક નીતિ

Top Stories India Mantavya Vishesh

બિહારમાં વિધાન પરિષદની ચૂંટણી માટે શાહનવાઝની હુસેન જેવા રાષ્ટ્રીય નેતાની પસંદગી પાછળ બિહારમાં નીતિશકુમાર પર દબાણ વધારવાની સાથે બંગાળના મુસ્લિમ મતદારોને આકર્ષવા માટેની એક નીતિ

ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના મગજમાં અત્યારે પશ્ચિમ બંગાળમાં મમતાદીદીને પછાડી સત્તા કબ્જે કરવા માટે અવનવા દાવપેચનાં સોગઠા શરૂ થઇ ગયા છે. પશ્ચિમ બંગાળના ૨૯૪ મત વિસ્તારોને આવરી લેતી રથયાત્રા યોજવાની જાહેરાત કર્યા બાદ ભાજપે એક પછી એક નવા દાવ રમવા શરૂ કર્યા છે.

@વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક, હિંમત ઠક્કરની કલમથી...

વિધાન પરિષદની બેઠકોથી કુંકરી ફેક…

બિહારમાં વિધાન પરિષદની બે બેઠકો પૈકી એક બેઠક માટે તેના વરિષ્ઠ મુસ્લિમ આગેવાન અને જે બે મુખ્ય મુસ્લિમ ચહેરા છે તે પૈકીના એક અને ભાજપ વતી રાષ્ટ્રીય ચેનલો પર ચર્ચામાં સતત ભાગ લઈ પ્રભાવ પાડી રહેલા અને અટલજીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા શાહનવાઝ હુસેનની પસંદગી કરવામાં આવી છે. એક રાષ્ટ્રીય કક્ષાના નેતાને બદલે રાજ્ય સભામાં અન્ય કોઈને મોકલવા અને રાજ્ય વિધાન પરિષદમાં આવા મોટા માથાને મોકલવાના પગલાં પાછળ ઘણા પ્રકારના ગણિતો અને સમીકરણો કામ કરી રહ્યા છે.

શર્માની ભાજપ એન્ટ્રી પાછળનું સંભવીત ગણિત

રાજકીય સમીક્ષકો અને વિવેચકોએ આ અંગે અટકળો અને અનુમાનો તેમજ આ નિર્ણય પાછળના કારણો અંગે કહેવાનું અને લખવાનું શરૂ કરી દીધું છે. જે રીતે ઉત્તરપ્રદેશમાં ગુજરાતમાં રહી ચૂકેલા અને મોદીના વિશ્વાસુ અધિકારી તરીકે ફરજ બજાવી ચુકેલા શર્માનો ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના ઉમેદવાર બનાવીને યુપી સરકારના અનેક પ્રધાનો અને ભાજપના નેતાઓને વિચાર કરતાં કરી દીધા છે. જો કે, શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવી મહેસુલ અને શહેરી વિકાસ મંત્રાલય સોંપવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. સાથો સાથ નબળી કામગીરી કરનાર પ્રધાનોને રૂખસદ આપવાની પણ તૈયારી થઈ ચુકી છે. આ તો યુપીની વાત છે. ત્યાં બે નાયબ મુખ્યમંત્રીઓ આજની તારીખમાં છે.

શાહનવાજની વિધાન પરિષદમાં એન્ટ્રી – એક અનોખુ ગણિત

જ્યારે બિહારમાં જનતાદળ (યુ)ના નીતિશકુમારની આગેવાની હેઠળ ભાજપની ભાગીદારીવાળી સરકાર અસ્તિત્વમાં છે અને તેમાં ઓછી બેઠકો વાળા નીતિશકુમારને મોટાભાઈ તરીકે સ્વીકારી લીધા છે અને સાથો સાથ ત્યાં ભાજપના જ બે નાયબ મુખ્યમંત્રીઓ પણ મુકાવ્યા છે. ગૃહ સિવાયના મહત્વના ખાતાઓ પણ ભાજપ પાસે છે કદાચ શાહનવાઝ હુસેનને બિહારમાં ત્રીજા નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ મોદી – શાહ – નડ્ડાની ત્રિપુટીની યોજના હોઈ શકે તેવી અટકળો રાજકીય રાજકીય વર્તુળો કરી રહ્યા છે. કેન્દ્રમાં પ્રધાન રહી ચૂકેલા અને ભાજપના મુખ્ય મુસ્લિમ ચહેરાઓ પૈકીના એક એવા શાહનવાઝ હુસેનને બિહાર વિધાનપરિષદમાં માત્ર આંગળી ઉંચી કરવા માટે તો ન જ મોકલતા હોય તે સમજી શકાય તેવી વાત છે.

બિહારીબાબુ નીતિશને બ્રેક મારવાની તૈયારી

જનતાદળ (યુ)ના અરૂણાચલ પ્રદેશના ૬ ધારાસભ્યોને ભાજપમાં ભેળવી દીધા બાદ જે કચવાટ જનતાદળ (યુ)માં શરૂ થયો છે, તેના કારણે નિતીશકુમાર પર એનડીએ છોડવા અંગેનું દબાણ પણ સતત વધતું જાય છે. ત્યારે નીતિશકુમારને કાબુમાં રાખવા અથવા તેમને સમજાવટ કરવા માટે પણ શાહનવાઝ હુસેન ઉપયોગી બની શકે તેમ છે. મોદી હંમેશા એક કાંકરે અનેક પક્ષી મારવા માટેના નિર્ણયો લેવા જાણીતા છે. અને તેઓ અવાર નવાર આવા નિર્ણયો લેતા હોય છે તેવો એક ઈતિહાસ છે. આમા પણ આવું જ છે. ઘણા રાજકીય વર્તુળો આ નિર્ણયના મૂળમાં બંગાળની ચૂંટણી હોવાનું પણ કહી રહ્યા છે. બંગાળમાં ૨૯૪ પૈકી ૧૨૫ બેઠકો એવી છે કે, જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે. ત્યાંના અન્ય મતદારોમાં પણ પરિવર્તનના કોઈ પવનને ન ગણકારે તેવા મતદારો પણ છે. હવે ભાજપને આ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૩૦ થી ૪૦ બેઠકો જીતવી જરૂરી છે. અને તો જ બંગાળમાં સારી રીતે સરકાર ચલાવી શકે તેવું વાતાવરણ થાય તેમ છે.

વડાપ્રધાનનાં મુસ્લિમ કાર્ડ ખેલવા તરફનાં અનેક પગલાં

ભાજપ મુસ્લિમ નેતાને ઉમેદવાર બનાવીને મહત્વનો હોદ્દો પણ આપી શકે છે. તેવો સંદેશો બંગાળના મતદારો પર છોડવા માગે છે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપીને બીન સાંપ્રદાયિકતાનું ગાણું પણ ગાયું હતું. તે જગજાહેર છે. તે વખતે પણ તેમણે દાવ યુપીમાં ખેલ્યો પણ નિશાન તો તે પશ્ચિમ બંગાળ જ હતું તે પણ હકીકત છે. શાહનવાઝ હુસેન પ્રકરણમાં પણ ભાજપના બે મુખ્ય લક્ષ્યાંક પૈકીનું એક લક્ષ્યાંક બંગાળ જ છે. ઘણા રાજકીય નિરીક્ષકો તેને ભાજપનું મુસ્લિમ કાર્ડ પણ કહે છે. એક રાજકીય વિશ્લેષકે આનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે ભાજપની નેતાગીરીને હવે એ વાતનું ભાન થઈ ગયું છે કે, ભારતમાં સત્તા મેળવવી અગર કે ટકાવી રાખવી હશે, તો માત્ર ધર્મનું કાર્ડ ચાલવાનું નથી. ધ્રુવીકરણની ચાલ સફળ થવાની નથી. મુસ્લિમોના મત મેળવવા અનિવાર્ય છે. જેથી મુસ્લિમ કાર્ડ પણ ખેલવું જ પડ્યું છે.

અલીગઢ યુનિવર્સિટીના કાર્યક્રમમાં મોદીની હાજરી અને બિહાર વિધાનપરિષદની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે શાહનવાઝ હુસેન જેવા જાણીતા અને ચુસ્ત ભાજપી મુસ્લિમ નેતાની પસંદગી એ બનેં બાબત આનો જીવંત પુરાવો છે. જો કે આના કારણે ભાજપના અને મોદીના એવા ઘણા ભક્તો ટેકેદારો નારાજ થશે કે તેમના રાજ્યમાં હિંદુરાષ્ટ્ર બની શકે તેમ છે. જો કે હવે ભાજપ એ જૂનો જનસંઘ નથી. સંઘની કે હિંદુ સંગઠનોની બધી વાતો માને તેવો પક્ષ રહ્યો નથી. એકવાર સત્તા મળ્યા પછી તેને જાળવવા માટે ગમે તેવા કામો કે ગમે તે પ્રકારના પરિબળો સાથે જોડાણ કરનારો અથવા તો ગમે તે પક્ષો સાથે સગવડિયા જોડાણ કરનારો પક્ષ બની ગયો છે.

ભારતમાં ચક્રવર્તી સમ્રાજ્ય અને તેને ટકાવવાનું ભાજપનું લક્ષ્ય

ભારતમાં ચક્રવર્તી સમ્રાટ જેવું શાસન સ્થાપવા ભાજપના નેતાઓ ગમે તે હદે જઈ શકે છે. હજી તો બંગાળની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી વખતે બંગાળના કોંગ્રેસ ટીએમસી અને ડાબેરી પક્ષોનાં રહેલા વગદાર મુસ્લિમ નેતાઓને ભાજપમાં પ્રવેશ આપીને તેમને ટિકિટો આપે તો કોઈને આશ્ચર્ય નહિ થાય. વડાપ્રધાન ભલે જાહેરમાં એમ કહેતા હોય કે હવે માત્ર અટકનું કાર્ડ નહિ પરંતુ યુવા કાર્ડ ચાલશે. પરંતુ ભાજપે મુસ્લિમ કાર્ડ બિહારમાં પણ ચલાવ્યું હતું અને હવે બંગાળ માટે પણ ચલાવવાનું નક્કી કર્યું છે તેુવં દેખાઈ આવે છે.

ટુંકમાં હવે ભાજપએ કોંગ્રેસની વિચારધારામાં બહુ જાજો ફરક રહ્યો નથી. પણ હવે તેની કાર્યશૈલી પણ કોંગ્રેસ જેવી જ થઈ ગઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસ માટે સત્તાએ લક્ષ્યાંક હતું. હવે ભાજપ માટે પણ આ જ વાત લાગુ પડે તેમ છે. કોંગ્રેસ કે અન્ય પક્ષોમાંથી આયાત કરેલા નેતાઓને મહત્વનો હોદ્દો આપવાનું વલણ પણ આ જ વાતનો પૂરાવો છે. ટુંકમાં ભાજપે એક કાંકરે બે પક્ષી મારવાનો અને કહી પે નિગાહે કહીં પે નિશાના જેવો ખેલ આજે પણ ચાલુ રાખ્યો છે તે હકિકત છે.

ટેકામાં B પ્લાન અને ટીમ તો તૈયાર જ

રાજકીય વર્તુળો કહે છે તે પ્રમાણે બિહારની જેમ બંગાળમાં મુસ્લિમ મતો તોડી ભાજપને ફાયદો કરાવવા ઓવૈસીની ટીમ હાજર છે. તેમ છતાં ભાજપની નેતાગીરી આ વખતે કોઈ બાબતની કસર રાખવા માંગતી નથી તેનો આ પૂરાવો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…