દક્ષીણ ગુજરાતમાં GIDC વિસ્તારમાં અવારનવાર આગ અને બલાસ્ટ ના બનાવો બનતા રહે છે. જેમાં ભરૂચના ઝઘડીયામાં આજે કેમિકલ ફેકટરીમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટના માં 24 લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાના અહેવાલ છે.આ બનાવ એટલો ભયાનક હતો કે 12 કિમી સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.
ગુજરાતના ભરુચ ના ઝઘડિયા સ્થિત કેમિકલ કંપની યૂપીએલ – 5ના પ્લાન્ટમાં ધમાકા સાથે આગ લાગી હતી. આ બ્લાસ્ટ અને આગની ઝપેટમાં 24 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ નો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો, કંપનીના સીએમ નામના પ્લાન્ટમાં ઘટના બની છે. પ્રચંડ બ્લાસ્ટ ને કારણે 12 કિમી સુધી અવાજ સંભળાયો અને ભૂકંપ જેવો આંચકો આવતા ગામના લોકો ઘરની બહાર નીકળી આવ્યા હોવાનું લોકો એ જણાવ્યું હતું.
યુપીએલ કંપનીમાં થયેલા વિસ્ફોટના કારણે આસપાસના ગામો દધેરા, ફૂલવાડી અને કારલસાડીના મકાનોની બારીના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટ બાદ ફાયર બ્રિગેડની મોટી ટીમ સ્થળ પર હાજર છે. ટીમ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત આરોગ્ય અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં ભરૂચ સ્થિત કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ સ્ટોરેજ ટાંકીમાં થયો હતો. પટેલ જૂથની આ કંપનીમાં વિસ્ફોટના કારણે 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઘટના સ્થળે છ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે સારવાર દરમિયાન ચારનું મોત નીપજ્યું હતું.
