વર્ષો સુધી ભાજપમાં રહેલા અને પૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન યશવંત સિંહાએ ટીએમટીની વાટ પકડી છે. તેમણે તૃણમુલ કોંગ્રેસમાં જોડાવાનો સંકેત આપતા તેના મુખ્યાલયમાં પહોંચી ગયા છે. તેઓ જલદી મમતા બેનરજીના પક્ષમાં જોડાશે. એટલું જ નહીં મમતાના રાજકીય સલાહકાર પણ બનશે.
ખેડૂત વિરોધી સરકાર- યશવંત સિંહાનો આરોપ

યશવંત સિંહાએ કહ્યું કે લોકશાહીનો અર્થ એ છે કે સરકારના પ્રતિનિધિ 24 કલાક પોતાના કર્તવ્યોનું પાલન કરે. દેશના ખેડૂતો છેલ્લા 3 મહિનાથી દિલ્હીની બોર્ડર પર ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા છે તેમની કોઇને ચિંતા નથી. દેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની સ્થિતિ પણ ચિંતાજનક છે પરંતુ સરકારને કોઇની પડી નથી.
સરકારને ફક્ત લોકોને કચડવામાં જ રસ
યશવંત સિંહાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે આજની રુલિંગ પાર્ટીનો ફક્ત એક જ ઉદ્દેશ છે, કોઇપણ રીતે ચૂંટણી જીતો અને પોતાની વિજય પતાકા લહેરાવતા જાઓ. તેમણે કહ્યું કે આજની સરકાર લોકોની જરુરિયાતો પૂરી કરવાના બદલે તેમને કચડવામાં વિશ્વાસ રાખે છે. તેમણે દાવો કર્યો કે અટલજી અને આજના સમયની બીજેપીમાં આસમાન-જમીનનો ફરક છે. તે જમાનામાં અકાલીઓ, ટીએમસી, જેડીયુ, શિવસેના, પીડીપી સહિત અનેક પક્ષો એનડીએમાં જોડાયેલા હતા. અત્યારે તો અકાલી દળ પણ આ સરકારનો સાથ છોડી ચુકી છે.
