મમતા દીદી સામે તેમના જ જૂના સાથીદાર શુભેન્દુ અધિકારી મેદાનમાં
મમતા દીદીના આક્રમક પ્રચારના સામના માટે ભાજપે પણ તેજાબી વક્તાઓની ટીમ ઉતારી દીધી
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
અત્યારે ચૂંટણી તો પાંચ રાજ્યમાં છે પરંતુ કેન્દ્રના શાસક પક્ષ ભાજપે પશ્ચિમ બંગાળ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમાંય પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષના ડાબેરી મોરચાના શાસનનો અંત લાવી સત્તા પર બેઠેલા મમતા બેનરજીના પક્ષ ટીએમસીના દસ વર્ષના શાસનને સમાપ્ત કરવા ભાજપે બરાબર વ્યૂહ ગોઠવ્યો છે. તેમાંય હવે મોટા ભાગના રાજકીય વિવેચકો જેને માસ્ટર સ્ટોક ગણાવે છે તે બાબત એ છે કે મુખ્યમંત્રી મમતા બેનરજીએ નંદીગ્રામની બેઠક પર લડવાનો નિર્ણય કર્યો એટલું જ નહીં પરંતુ ત્યાં ઉમેદવારી પત્ર ભરી દીધું અને ભાજપને તેની ભાષામાં જવાબ આપવાનું પણ શરૂ કરી દીધું.

હકિકતમાં નંદીગ્રામની બેઠક ટીએમસીની જ છે. પણ ગત ચૂંટણીમાં આ બેઠક પરથી ટીએમસીના શુભેન્દુ અધિકારી જીત્યા હતા. હવે આ વખતે શુભેન્દુ અધિકારીએ ટી.એમ.સી.નો ખેસ ઉતારી ભાજપનો ખેસ પહેરી લીધો છે. આ જેવી તેવી વાત તો નથી જ. નંદીગ્રામએ મમતા બેનરજીને સત્તા અપાવનાર અને ડાબેરીઓના ગઢને ધ્વસ્ત કરનાર પરિવર્તનનો પવન જ્યાંથી ફુંકાયો હતો તેનું એપી સેન્ટર છે.

પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લામાં આવેલું નંદીગ્રામ એ ઉપર જણાવી ગયા તે પ્રમાણે બંગાળમાં સત્તા પરિવર્તનનું પ્રતિક છે. ૨૦૦૭માં જમીન અધિગ્રહણ આંદોલન અને તે સમયે થયેલા ગોળીબારમાં ૧૪ લોકોના મોત નિપજવાના બનાવથી આ નંદીગ્રામ ખ્યાતનામ બન્યું હતું. ત્યાં જે પ્લાન્ટ થવાનો હતો તેને ગુજરાતમાં આશ્રય અને સંપૂર્ણ સગવડ આપનાર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા હવે આ વખતે નરેન્દ્રભાઈ દેશના સુકાનીની ભૂમિકામાં છે. અને મમતા બેનરજી પશ્ચિમ બંગાળના સુકાનીની ભૂમિકામાં છે. ૨૦૦૭માં નંદીગ્રામમાં આંદોલન થયું ત્યારે ત્યાં ડાબેરીઓનું શાસન હતું મમતા માત્ર ટીએમસીના સુપ્રીમો હતા.

હવે ૧૪ વર્ષ બાદ નંદીગ્રામ ફરી ચર્ચામાં આવ્યું છે. નંદીગ્રામના આંદોલન અને ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં મમતાદીદીના નીકટના સાથીદાર એવા શુભેન્દુ અધિકારી પોતાની જુની બેઠક જાળવવા માટે પૂરી તાકાતથી અને ભાજપનો ખેસ અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સાથ સહકાર સાથે મેદાનમાં ઉતર્યા છે. મમતા બેનરજી કોલકત્તાના ભવાનીપુર વિસ્તારના ધારાસભ્ય હતા ઘણા રાજકીય વિશ્લેષકો કહે છે તે પ્રમાણે છેલ્લી કેટલીક ચૂંટણીઓથી ભવાનીપુરમમાં મમતાદીદીની સરસાઈ ઘટતી હતી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર (ભવાનીપુર) પર ભાજપની સરકાર હતી જાેકે ૨૦૧૬માં મમતા બેનરજી ૬૦ હજાર કરતાં વધુ મતથી સરસાઈથી ભવાનીપુરમાં જીત્યા હતા પરંતુ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવારને ભાજપ પર માત્ર ૨૦ ટકાની સરસાઈ મળી હતી.

નંદીગ્રામમાં મમતા બેનરજી સામે શુભેન્દુ અધિકારી જ મેદાનમાં છે. ડાબેરી કોંગ્રેસ ગઠબંધનનો ઉમેદવાર પણ મેદાનમાં ઉતરશે. આ ગઠબંધન ઉમેદવારને જીતાડવા ડાબેરીઓ અને કોંગ્રેસ પણ પોતાની બધી તાકાત સામે લગાડશે ૭૦ ટકાથી વધુ હિંદુ મતદારો વાળા આ વિસ્તારમાં મમતા દીદીએ ફોર્મ ભરવાના અગાઉના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ ઘડી મહિલાઓની બેઠક પણ યોજી અને રેલી પણ સંબોધી. ભાજપને તેમણે એવો મક્કમ પડકાર આપ્યો કે હું હિન્દુની બેટી છું. અને હિન્દુત્વનો પાઠ ભણાવવાની કોશીષ ન કરતાં હું ઘરેથી રોજ ચંડીપાઠ કરીને જ બહાર નિકળું છું એમ કહી તેમણે ચંડીપાઠના શ્લોક પણ મંચ પરથી બોલ્યા જ્યારે બીજા દિવસે એટલે કે ભગવાન શંકરના મંદિરે પૂજા કરી વિશાળ રોડશો કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરવા ગયા અને ઉમેદવારી પત્ર પણ ભર્યું. ભાજપને અકળાવી નાખે તેવો આ રોડ શો હતો.

જો કે આની સામે નંદીગ્રામ બેઠક પરના ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ પણ હનુમાનજીના મંદિરમાં પૂજા કરીને પોતાના ચૂંટણી પ્રાચરનો પ્રારંભ કર્યો. હવે ભાજપના ચૂંટણી પ્રચાર જંગમાં હવે નંદીગ્રામ હાઈ પ્રોફાઈલ બેઠક બની છે અને ભૂતકાળમાં ડાબેરીઓ સાથે અને પછી ટીએમસી સાથે સંકળાયેલા હિન્દી ફિલ્મોના લોકપ્રિય બંગાળી અભિનેતા મીથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા છે. તેમને બીજે બધે તો ઠીક પણ નંદીગ્રામ અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ ચૂંટણી પ્રચાર કરવા કહેવાયું છે. જ્યારે મોંઘવારી અને તેમાંય ગેસ સીલીન્ડર અને પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં મમતા બેનરજી કોલકત્તામાં સ્કૂટરની પાછળ બેઠક પર બેઠી કોલકત્તાની બજારમાં નિકળ્યા હતા તેવી જ રીતે બાઈક રેલીની આગેવાની પણ બાઈક ચલાવીને લેનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ નંદીગ્રામમાં ધામા નાખવા કહેવાયું છે. કેન્દ્રના નાણા પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમન, દિલ્હીના સાંસદ મીનાક્ષી લેખી સહિતના ભાજપના ડઝનબંધ મહિલા સાંસદો ભાજપ માટે પ્રચાર કરશે. જ્યારે ડાબેરી કોંગ્રેસ ગઠબંધન પણ પોતાની તાકાત કામે લગાડશે. પશ્ચિમ બંગાળના કોંગ્રેસી સાંસદ અને હાલ લોકસભામાં કોંગ્રેસનું નેતા પદ સંભાળી રહેલા અધીર રંજન ચૌધરીએ પણ મમતા બેનરજીને એવો ટોણો માર્યો છે કે મમતા બેનરજી ભાજપથી ડરી ગયા છે.

આ સંજોગો વચ્ચે નંદીગ્રામમાં મમતા દીદીને હરાવવા સીધી યા આડકતરી રીતે અન્ય વિપક્ષો ભાજપની લાઈનમાં ગોઠવાઈ ગયા છે આ વાતનો ઉલ્લેખ કરીને ઘણા રાજકીય વિશ્લેષકોએ એ વાતની નોંધ લીધી છે કે માત્ર નંદીગ્રામ નહિ પણ સમગ્ર પશ્ચિમ બંગાળમાં મમતા વર્સિસ ઓલ જેવી સ્થિતિ છે. શિવસેનાના મુખપત્ર સામનામાં પણ લખાયું છે કે એક મહિલા નેતાને હરાવવા કે સત્તાપરથી ઉથલાવવા બાકીના પક્ષોના નેતાઓ એક બન્યા છે. કારણ પશ્ચિમ બંગાળમાં ડાબેરી અને કોંગ્રેસના નેતાઓ પોતાના પ્રવચનના ૭૦ ટકા સમયમાં તો મમતા બેનરજી પર જ પ્રહાર કરે છે. પ્રથમ પ્રચાર શરૂ કરવો, સાથોસાથ મોંઘવારી જેવા પ્રશ્નો અંગે પદયાત્રા કરવી અને ફોર્મ પણ વહેલું ભરવું અને ભાજપને તેની જ ભાષામાં જવાબ આપવાની મમતાદીદીની શૈલી ભાજપને અકળાવી ગઈ છે તેથી જ મમતાજીને હરાવવા અને સત્તાપરથી ઉથલાવવા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા વ્યૂહ ગોઠવ્યો છે. ઓપીનીયન પોલ મમતાજીની હેટ્રીકની આગાહીનો સંકેત આપે છે. તેનાથી અકળાયેલા વડાપ્રધાને પોતે તમામ સાંસદોને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી સુધી ત્યાં જ ગોઠવાઈ જવા સૂચના આપી છે.
