1. તમે LOP બનવા માગો છો?
વિધાનસભા ગૃહમાં આજે અધ્યક્ષ નો એક અલગ જ મિજાજ જોવા મળ્યો. સામાન્ય રીતે સૌમ્યતાથી કામ લેનારા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અશિસ્ત દાખવનારા ધારાસભ્યોને ગૃહમાંથી બહાર મોકલવા થી માંડીને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ કરવા બદલ ધારાસભ્યો સામે કટાક્ષ કરવામાં પણ આજે પાછા પડ્યા ન હતા. તુવેરદાળ મુદ્દે જ્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એમનો મુદ્દો રજૂ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એ તેમની બેઠક પરથી ઉભા થઇ અચાનક જ તુવેરદાળ મુદ્દે સરકાર જવાબ આપે તેવો મુદ્દો ઉપસ્થિત કરતા અધ્યક્ષે તેમને અટકાવ્યા હતા અને તેમને ટકોર કરતા કહ્યું હતું કે વિરોધ પક્ષના નેતા જ્યારે બોલી રહ્યા હોય ત્યારે તમારાથી વચ્ચે ના બોલાય. તમે LOP એટલે કે Leader Of Opposition બનવા માગો છો? અધ્યક્ષ ની ટકોરથી છોભિલા પડી ગયેલા લલિત વસોયા ફરી પોતાની બેઠક પર બેસી ગયા હતા અને ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
2. ત્રણ ધારાસભ્યોને અધ્યક્ષે ગૃહ બહાર મોકલ્યા
વિધાનસભા ગૃહમાં તુવેરદાળ ખરીદીના મુદ્દે સૂત્રોચ્ચાર શાંત થયા બાદ ચર્ચા ચાલી રહી હતી ત્યારે પાછળની બેઠક પર બેઠેલા કોંગ્રેસ ના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને તેમની બાજુની લાઈનમાં બેઠેલા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડયા અંદરોઅંદર એકબીજા સાથે મોટા અવાજે દલીલ કરી રહ્યા હતા. આ દલીલ અધ્યક્ષના કાને પડતા અધ્યક્ષે ચર્ચા અટકાવી બન્ને ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ ગૃહ બહાર જવાનો આદેશ કર્યો હતો. આદેશ થતા જ ગેલેરીમાં બેસેલા કોંગ્રેસ ના ધારાસભ્ય અમરીશ ડેરે મોટેથી કોમેન્ટ આપી, “બન્ને ધારાસભ્યો બહાર જઈને સાથે ચા-નાસ્તો કરી લેજો” આ કોમેન્ટ સાંભળતા જ અધ્યક્ષે અમરીશ ડેરને પણ ગૃહ બહાર જવાનો આદેશ કરતા ગૃહમાં સોંપો પડી ગયો હતો. જોકે બાદમાં અમરીશ ડેરે અધ્યક્ષને બહારથી ચિઠ્ઠી લખીને મોકલાવી હતી જે અધ્યક્ષે ગૃહમાં વાંચી સંભળાવી હતી. અમરીશ ડેરે ધર્મ કરતા ધાડ પડી હોવાનો ઉલ્લેખ કર્યો હતો જોકે આ ચિઠ્ઠી સાંભળતા જ ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

3. ગૃહમાં મોબાઈલ વાપરવા અને પાણી પીવાની છૂટ
સામાન્ય રીતે વિધાનસભા ગૃહમાં શિસ્ત પાલન કડક રીતે થતું હોય છે. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે પ્રશ્નોતરીકાળ બાદ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. ગૃહમાં કેટલાક ધારાસભ્યો મોબાઈલ વાપરતા હોવાનો મુદ્દો તેમણે રજૂ કર્યો હતો. જોકે અધ્યક્ષે મુદ્દો પૂરો સાંભળવાના બદલે વંશને અડધેથી જ અટકાવ્યા હતા. અધ્યક્ષે કહ્યું કે ધારાસભ્યો મોબાઈલ વાપરે છે અને પાણી પણ પીવે છે, જેના માટે સામાન્ય રીતે પરવાનગી હોતી નથી. પણ મહામારીનો સમય છે ત્યારે નિયમોમાં થોડીક ઢીલાશ પણ જરૂરી છે જેના ભાગરૂપે આ છૂટછાટ મેં આપી છે.
4. ST નિગમને બસ ખરીદવા કરોડોની સહાય
રાજ્ય સરકારે એસટી નિગમને બસ ખરીદવા માટે છેલ્લા 2 વર્ષમાં રૂ. 314.6 કરોડની સહાય કરી હોવાનું વાહન વ્યવહાર મંત્રીએ ગૃહમાં લેખિતમાં જણાવ્યું હતું. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીના સવાલનો જવાબ આપતા વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે આ સહાય મારફત નિગમે 2 વર્ષમાં 1690 બસની ખરીદી કરી હતી.
