Not Set/  50 કરોડની લોનની લાલચ આપી મહિલાએ ખંખેરી લીધા 25 લાખ, અને પછી….

 અમદાવાદના જુહાપુરા વેજલપુરમાં રહેતા અને બિલ્ડીંગ કંસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વેપારીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

 અમદાવાદના જુહાપુરા વેજલપુરમાં રહેતા અને બિલ્ડીંગ કંસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વેપારીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં વેપારીની જમીન પર 50 કરોડ રૂપિયાની લોન અપાવવાના નામે પ્રોસેસિંગ ફી ના પેટે ૨૫ લાખ રૂપિયા લઇ બે મહિલા સહિત ત્રણ શખ્સોએ છેતરપિંડી આચરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

અમદાવાદમાં વેજલપુર જુહાપુરામાં ભાડે રહેતા અને કે.જી.એન કંસ્ટ્રક્શન નામે બિલ્ડીંગ કંસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા મહેબુબભાઇ વલીમોહમ્મદ શેરસીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વર્ષ 2016 થી અમદાવાદમાં વેપાર કરે છે અને તેમના મિત્ર અનવર સોનીની ઓફિસ ખાતે રહેતા હતા તે સમયે અનવરભાઇ અને સચીન ભાઈની સાથે ઓળખાણ થઈ હતી. બિલ્ડરનાં મીત્ર રામદેવસિંહ જાડેજાની જામનગરનાં કાલાવાડમાં આવેલા ઉમરાળાની મિત્રની જમીનમાં લાઈમસ્ટોન પથ્થર નિકળે છે અને તેઓએ મહેબુબભાઈને લો-મટીરીયલને લગતો પ્લાન નાખવા માટે લોન લેવાની વાત કરી હતી.  જેથી અનવરભાઇ અને સચિને લોનનું કામકાજ કરતા ટી-3 ફિનસર્વ કંપનીના ભાગીદાર અને પ્રહલાદનગરમાં રહેતી નિયતિ અંબાણી સાથે મુલાકાત કરાવી હતી.  મહેબુબભાઈએ મહિલાને લોન લેવા લેવા ઉમરાવાળી જમીનના કાગળો આપ્યા હતા અને તે કાગળો લઇ તે જમીન ઉપર લોન થઈ જશે તેવું નિયતિ અંબાણીએ જણાવ્યું હતું.

નિયતિ અંબાણીએ બિલ્ડરને પોતાની ઓફિસે બોલાવી આ જમીન ઉપર ૫૦ કરોડની લોન થઈ જશે, જેમાં પહેલાં ૨૫ કરોડ લોન 19 ડિસેમ્બર 2019 ના રોજ અને બીજા 25 કરોડ થોડાક દિવસો બાદ ખાતામાં જમા થઈ જશે પણ લોનની પ્રોસેસિંગ ફી ના 25 લાખ રૂપિયા એડવાન્સમાં ચૂકવવા પડશે તેવુ કહ્યુ હતુ.  જેથી મહેબુબભાઇએ આ બાબતે પોતાના મિત્ર અને જમીન માલિક રામદેવસિંહ જાડેજા સાથે વાત કરી ૨૫ લાખ નિયતિ અંબાણીને આપવાનું નક્કી કર્યું હતું.. ત્યારબાદ 17 ડિસેમ્બરે મહેબુબભાઈ ફિનસર્વ કંપનીના ભાગીદાર મેઘા દાણાવાળાનાં નામનો 25 લાખનો ચેક લખીને આપ્યો હતો. જેની પહોંચ નિયતિ અંબાણીએ વ્હોટ્સએપથી મોકલી હતી. ત્યારબાદ આ બાબતે મહેબુબભાઈના મિત્ર રામદેવસિંહ જાડેજા તથા નિયતિ બેન અંબાણી વચ્ચે નોટરાઇઝ MOU પણ થયા હતા.

21-12-2019 થી આશરે એક મહિના સુધી લોનના પૈસા જમા થયા ન થતા બિલ્ડરે નિયતિ અંબાણીને લોન કરાવી આપવા અથવા તેઓના 25 લાખ પરત આપી દેવા માટે જણાવ્યું હતું. જેથી નિયતિ અંબાણીએ મેઘા દાનાવાલાના નામનો 25 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક બિલ્ડરે બેંકમા નાખતા રિટર્ન થયો હતો. ત્યારબાદ મહેબુબભાઈએ અવારનવાર નિયતી અંબાણી પાસે પૈસાની માગણી કરતા તેણે ખોટા વાયદા કર્યા હતા અને પૈસા પરત ન આપ્યા હતા.

થોડા સમય બાદ મહેબુબભાઈને ખબર પડી હતી કે નિયતિ અંબાણીએ તેઓની લોનનું કામ ગાંધીનગરના સુભાષ જોશીને સોંપ્યું હતું અને સુભાષના કહેવાથી જ વેપારીનો ચેક મેઘાના ખાતામાં જમા કરાવ્યો હતો. અને સુભાષે મેઘાના ખાતામાંથી RTGSથી પૈસા તેની પત્ની અને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જેથી બિલ્ડરે સુભાષ જોશીને મળતા તેણે 90 દિવસમાં લોન કરાવી આપવાનું અથવા તો પૈસા પરત આપી દેવાની બાંહેધરી આપી હતી અને પોતાના બેંકના ખાતાના 5-5 લાખનાં 5 ચેક આપ્યા હતા. 90 દિવસ થયા છતાં પણ સુભાષ જોશીએ લોન કરાવી ન આપતા તેમજ પૈસા પરત ન આપતા મહેબુબ શેરશીયાએ સુભાષ જોશીએ આપેલા ચેક પોતાના ખાતામાં નાખતા સહી મેચ ન થતાં ચેક રિટર્ન થયા હતા.  ત્યારબાદ પણ સુભાષ જોશી, નિયતિ અંબાણી અને મેઘાના દાનાવાલાને અવાર નવાર લોન કરાવી આપવા અથવા તો રૂપિયા પરત આપી દેવાનું જણાવવા છતાં લોન કે રૂપિયા આપ્યા ન હતા અને એક વર્ષથી ખોટા વાયદાઓ કરી પૂર્વઆયોજીત ગુનાહિત કાવતરું રચી બિલ્ડર પાસેથી ૨૫ લાખ રૂપિયા પડાવી લઇ છેતરપિંડી આચરી હોવાથી આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

સરખેજ પોલીસે આ મામલે ગાંધીનગરનાં સુભાષ જોશી, મેધા દાનાવાલા તેમજ પ્રહલાદનગરની નિયતી રાણા સામે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.