વડોદરા શહેરના દંતેશ્વર વુડા આવાસ ખાતે પીકઅપ ગાડી ચાલકને સરખી ચલાવવા બાબતે સર્જાયેલી તકરારમાં ઉશ્કેરાયેલા ગાડી ચાલકે બે લોકોને પેટમાં ચાકુના ઘા ઝીંકી દેતા તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે અજાણ્યા ગાડી ચાલક વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, મારામારી, ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં વુડા આવાસમાં રહેતો મેહુલ દરબાર રવિવારે વુડના મકાનમાં આવેલી પાણીના સંપની ઇલેક્ટ્રિક મોટર બગડી જતા રીપેર કરવા માટે આવાસના વ્યક્તિઓ પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા હતા. આ સમયે પુરપાટ ઝડપે ઘસી આવેલા બોલેરો પીકઅપ ગાડીના ચાલકને કાળજીપૂર્વક જવાનું કહેતા ગાડી ચાલક અપશબ્દો બોલ્યો હતો.
ગાડીના ચાલકે અચાનક ઉશ્કેરાઈ જઈ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી યુવકને પેટમાં ચપ્પુના ઘા મારતાં યુવક લોહીલુહાણ હાલતમાં સ્થળ પર લથડી પડ્યો હતો. જેથી તેને બચાવવા માટે તેનો મિત્ર રાહુલ પરમાર દોડી આવતા હુમલાખોરે તેના પેટમાં પણ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ સમયે મદદે દોડી આવેલા સ્થાનિકોએ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડયા હતા.
