Ahmedabad News/ દિવાળીના તહેવારોમાં વતન જવા બસ સ્ટેશનો પર ભીડ, GSRTCએ દોડાવી 2400 એક્સ્ટ્રા બસો, 8000થી વધુ ટ્રીપનું સંચાલન

દિવાળી પર્વે GSRTCએ રાજ્યભરમાં 2400 એક્સ્ટ્રા બસો દોડાવી, 8000થી વધુ ટ્રીપ, એકલા અમદાવાદમાંથી 1800 ફેરા

Gujarat Ahmedabad Breaking News
GSRTC

Ahmedabad News: દિવાળી અને બેસતા વર્ષના તહેવારોમાં પોતાના વતન જઈ પરિવાર સાથે રોશનીનો પર્વ મનાવવાની ઉત્સુકતા દરેક ગુજરાતીના દિલમાં હોય છે. લાખો પ્રવાસીઓની સફર સરળ બને તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)દ્વારા રાજ્યભરમાં પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે.

નિગમે નિયમિત શિડ્યુલ ઉપરાંત અંદાજે 2400 એક્સ્ટ્રા બસો દોડાવીને 8000થી વધુ ખાસ ટ્રીપ્સનું સંચાલન કર્યું છે. તહેવારોના પગલે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના તમામ મુખ્ય બસ સ્ટેશનો અને ડેપો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

GSRTC: અમદાવાદ ડિવિઝનમાંથી જ 1800 એક્સ્ટ્રા ટ્રીપ્સનું સંચાલન

રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગર અમદાવાદ ડિવિઝન(Ahmedabad Division)માંથી દિવાળીની રજાઓમાં લાખો નોકરિયાત અને વેપારી પરિવારો વતન તરફ પ્રયાણ કરતા હોય છે. પ્રવાસીઓની સુવિધા માટે અમદાવાદ ડિવિઝન દ્વારા 2 નવેમ્બરથી અત્યાર સુધીમાં 1800 વધારાની ટ્રીપનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું છે. આ વધારાના ફેરાઓને કારણે હજારો મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના સમયસર પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શક્યા છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય-પૂર્વ ગુજરાતના રૂટ પર વિશેષ ફોકસ

મુસાફરોના જંગી પ્રવાહને સરળતાથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે અમદાવાદ અને સુરત વિભાગોમાંથી કનેક્ટિવિટી મોટા પાયે વધારવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સાણંદ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભુજ તરફ વધારાની બસો સતત દોડાવવામાં આવી રહી છે. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં શ્રમિક અને ગ્રામીણ વર્ગની અવરજવરને ધ્યાને રાખીને દાહોદ, ગોધરા, બાલાસિનોર અને સંતરામપુર સહિતના અંતરિયાળ વિસ્તારોના રૂટ પર ખાસ વધારાની બસો મુકવામાં આવી છે.

સુરતથી તમામ મુખ્ય જિલ્લાઓ માટે વિશેષ બસો

રત્નકલાકારો અને ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો પરિવારો વતન તરફ જઈ રહ્યા હોવાથી સુરત(Surat ST Bus)થી વિશેષ સંચાલન ગોઠવાયું છે. સુરતથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર તરફ જવા માટે પણ વધારાની બસો ફાળવવામાં આવી છે. દિવાળીના આ ધસારા(Diwali Rush)ને પહોંચી વળવા નિગમ સતત કાર્યરત છે.

રિયલ-ટાઇમ ધસારો જોઈને ‘ઓન-ધ-સ્પોટ’ બસો મુકાઈ

એસટી નિગમના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, માત્ર અગાઉથી નક્કી કરેલા શિડ્યુલ પર નિર્ભર રહેવાને બદલે જે-તે બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સ્થિતિ જોઈને તાત્કાલિક નિર્ણય લેવામાં આવી રહ્યો છે. કોઈ ચોક્કસ રૂટ પર મુસાફરોની અણધારી ભીડ જોવા મળે તો તેમને અટવાવું ન પડે તે માટે ડેપો મેનેજરોને તાકીદે ‘ઓન-ધ-સ્પોટ‘ વધારાની બસો દોડાવવાની સ્પષ્ટ સૂચના અને સત્તા સોંપવામાં આવી છે. GSRTC(GSRTC Extra Buses)ની આ વ્યવસ્થાથી મુસાફરોને રાહત મળી છે.


આ પણ વાંચો:દિવાળી ટાણે વતન જતા લોકોને રાહત: સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે દોડશે 9,100 વધારાની બસો

આ પણ વાંચો:અમદાવાદમાં રિક્ષા હડતાળ વચ્ચે AMCનું ખાસ આયોજન, મુસાફરો માટે વધારાની બસો દોડાવાશે

આ પણ વાંચો:શાહીબાગ-નરોડાથી SG હાઈવે સુધી લક્ઝરી બસોનો ત્રાસ! પ્રતિબંધિત સમયમાં પણ અવરજવર યથાવત