Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા 124 કામો માટે 7,737 કરોડ રૂપિયા ફાળવ્યા.
ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વઘુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર નું 5,576 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશે.
આ વર્ષના બજેટમાં રાજ્યના રોડ નેટવર્ક (State Road Network)ને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત (Garvi Gujarat) હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત 12 નવા હાઈસ્પીડ કોરીડોર (High Speed Corridor) વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાતમાંથી 9 હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)નો ‘જે કહેવું તે કરવું’નો સંકલ્પ સાકાર થશે.
કુલ 124 કામો માટે રૂ. 7,737 કરોડ ફાળવવાનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી વિકસિત ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના અંતર્ગત કુલ 124 કામો માટે રૂ. 7,737 કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ માટે માર્ગો અને પુલોની મહત્વતા ધ્યાને લેતા સમગ્ર ગુજરાતને સુવિધા સભર અને સલામત માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત માર્ગોનું નેટવર્ક પુરુ પાડવાના દિશાનિર્દેશો માર્ગ મકાન વિભાગને આપ્યા છે.
809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોરનું 5,576 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થશે
તેમણે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવીને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે 5,576 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર
તદ્અનુસાર બગોદરા – ધંધુકા – બરવાળા – બોટાદના 92.23 કિલોમીટર લંબાઈ માટે 67.43 કરોડ, બોટાદ – ઢસા – ચાવંડ – અમરેલી – બગસરા – બિલખા – મેંદરડાના 67.30 કિ.મી. માટે રૂ. 158.6 કરોડ, મેંદરડા – કેશોદ – માંગરોળના 48.55 કિ.મી માટે રૂ. 81.38 કરોડ, ઊંઝા-પાટણ-શિહોરી-દિયોદર-ભાભરના 105.05 કિ.મી રોડ માટે રૂ. 858.39 કરોડ, કરજણ – ડભોઇ – બોડેલીના 71.10 કિ.મી રોડ માટે રૂ. 331.16 કરોડ, દહેગામ – બાયડ – લુણાવાડા – સંતરામપુર – ઝાલોદના 167.54 કિ.મી. માટે રૂ. 1,514.41 કરોડ, અમદાવાદ – હરસોલ – ગાંભોઈ – વિજયનગરના 143.30 કિ.મી. રોડ માટે રૂ. 640.30 કરોડ, સંતરામપુર – મોરવા હડફ – સંતરોડના 49.90 રોડ માટે રૂ. 861.71 અને સંતરોડ – દેવગઢ બારિયા – છોટા ઉદેપુરના 64.05 કિ.મી. રોડ માટે રૂ. 1062.82 કરોડ મંજૂર કર્યા છે.
આ નવા હાઈસ્પીડ કોરીડોરનું નિર્માણ થવાથી પરિવહન વધુ ઝડપી બનશે તેમજ પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. હાઈસ્પીડ કોરીડોર બનવાના પરીણામે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે અને તેની આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ તથા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. એટલુ જ નહિં, મહત્વના શહેરો સાથે ઝડપી જોડાણ મળતા અને મુસાફરી સરળ અને પ્રવાસનને પણ વેગ મળશે.
રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.1,147 કરોડ મંજૂર કરતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ. 1,147 કરોડ મંજૂર કર્યા છે. તેમાથી 271 કિ.મી. લંબાઈમાં 20 કામો હાથ ધરવામાં આવશે.
પર્યાવરણને અનુરૂપ માર્ગોનુ નિર્માણ થશે
આ ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવતર ટેક્નોલોજીસભર (Climate & Technology) રસ્તાઓના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, જીઓ ગ્રીડ અને ગ્લાસ ગ્રીડ, સિમેન્ટ/સ્ટેબીલાઈઝેસન, ફ્લાય-એશ, ગ્રીન ટેકનોલોજી જેવી નવી ટેકનોલોજીના ઉ૫યોગથી લાંબુ આયુષ્ય ઘરાવતા વધુ ટકાઉ અને મજબુત, લાઈફ-સાયકલ કોસ્ટમાં બચત થાય તેવા અને પર્યાવરણને અનુરૂપ માર્ગોનુ નિર્માણ થશે.
આ ઉપરાંત તેમણે રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના 79 કામો 803 કિ.મી.માં હાથ ધરવા માટે 986 રૂપિયાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત 1,367 કિ.મી.ના 12 નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે આ 9 હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘જે કહેવું તે કરવું’નો સંકલ્પ લોકોને ‘ઈઝ ઓફ લિવિંગ’ આપીને પાર પાડવાનું મહત્વનું કદમ ભર્યું છે.
