દહેગામ,
દહેગામ તાલુકાના વટવા ગામમાં પોલીસ દમનનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ દ્વારા એક પરિણિત યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. વિષ્ણુજી સોલંકી નામના વ્યક્તિને પોલીસે માર માર્યો તેવો આક્ષેપ થયો છે.
વિષ્ણુજીની માતાના જણાવ્યા અનુસાર બંને પતિ પત્ની વચ્ચે પશુને પાણી પીવડાવવાની બાબતે માથાકુટ થઈ. જેમાં વિષ્ણુભાઈની પત્ની ઉશ્કેરાટમાં આવી ગઈ અને બાળકોને લઇને કેનાલમાં કુદી જવાની ચીમકી આપી અને ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં અરજી લખાવવા ગઈ. પીડિતની માતા એ જણાવ્યું કે અમે તો ખાલી સમજાવા માટે કહ્યું હતું પણ પોલીસે મારા દીકરાને ઢોરની જેમ માર્યો છે અમે ગરીબ માણસો છીએ, મારા દીકરાને કશું થશે તો અમે ક્યાં જઈશું.

પોલીસે આવીને વિષ્ણુજીને પટ્ટા વડે તથા ગડદા પાટુનો માર માર્યો હતો અને જેથી દુખાવો થતા વિષ્ણુજીને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તબીબે જણાવ્યું હતું કે વિષ્ણુ ભાઈને પેડુ પર વધુ માર લાગ્યો છે. તેથી તેને ગાંધીનગર હોસ્પિટલ રિફર કરવો પડશે.
તો આ ઘટના બાદ ગાંધીનગરથી વર્દી આવતા દહેગામ પોલીસ સફાળી જાગી હતી અને પીએસઆઈને તપાસ સોંપવામાં આવી છે. વિષ્ણુજીને માર મારનાર પોલીસકર્મીઓ સામે સખત કાર્યવાહી થવી જોઈએ તેવી તેની માતાએ માગ કરી છે.
